આ ખેલાડીએ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો! દર્શકો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા
ક્રાઈસ્ટચર્ચ: ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs NZ) રમી રહી છે. સિરીઝની પહેલી મેચ ગઈ કાલે 28મી નવેમ્બેરથી ક્રાઈસ્ટચર્ચમાં શરુ થઇ હતી. આજે મેચ દરમિયાન અદભુત કેચ જોવા મળ્યો હતો, આ કેસને ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ કેચમાંનો એક માનવામાં આવી રહ્યો છે. આ કેચ ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે (Glenn Phillips Grabs catch) પકડ્યો હતો.
ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉથી 53મી ઓવરમાં ફેંકવા આવ્યો હતો. ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે સાઉથીની ઓવરના બીજા બોલને બેકવર્ડ પોઈન્ટ તરફ ફટકાર્યો હતો. ફિલ્ડર ફિલિપ્સે ડાબી બાજુ કૂદીને લગભગ અશક્ય જણાતો કેચ પકડ્યો હતો, જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. ફિલિપ્સે પણ આ કેચની જોરદાર ઉજવણી કરી હતી, સાથી ખેલાડીઓ પણ શાબાશી આપવા તેની તરફ દોડી આવ્યા હતા. હાલ કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે,.
પોપ સદીથી ચુક્યો:
ફિલિપ્સે પકડેલા કેચને કારણે પોપને 77 રન બનાવીને આઉટ થયો. પોપ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, તેનો અંદાજ જોતા એવું લાગી રહ્યું હતું કે તે તેની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી પૂરી કરશે. પરંતુ ફિલિપ્સે આવું થવા ન દીધું. તે 98 બોલ રમીને આઉટ થયો. પોપે 78.57ની સ્ટ્રાઈક રેટથી 77 રન બનાવ્યા, ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.
Also Read – શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
હેરી બ્રુકે સદી ફટકારી:
ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 348 રનના ટોટલ પર ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 74 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 319 રન બનાવી લીધા છે. હેરી બ્રુક પોતાની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી પૂરી કરીને મેદાનમાં છે, તેણે 163 રમીને 132 રન બનાવ્યા છે.