ઓવલમાં શુભમન ગિલના રેકૉર્ડનો વરસાદ, સોબર્સ-ગાવસકરને પાછળ રાખી દીધા!

લંડનઃ ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટની શરૂઆત પહેલાં કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL)ને સર ગૅરી સોબર્સનો રેકૉર્ડ તોડવા ફક્ત 1 રનની અને સુનીલ ગાવસકરનો વિક્રમ પાર કરવા માટે 11 રનની જરૂર હતી અને ગિલે આ બન્ને લેજન્ડ્સની સિદ્ધિને ઓળંગી લીધી છે. તેણે આ ટેસ્ટમાં મેઘરાજાના વિઘ્નો વચ્ચે વિક્રમોની વર્ષા વરસાવી છે.
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં ગિલના રન હાઇએસ્ટ છે. વર્તમાન ટેસ્ટ પહેલાં તેના નામે 722 રન હતા.
આપણ વાંચો: કોહલી, દ્રવિડ, ગાંગુલી ન કરી શક્યા એ કામ શુભમન ગિલે કરી દેખાડ્યું!
ગિલ હવે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા)માં કોઈ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી સુકાની બની ગયો છે. તેણે પહેલાં તો સોબર્સ (SOBERS)નો વિક્રમ પાર કર્યો.
સોબર્સે 1966માં ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીમાં કૅપ્ટન તરીકે 722 રન કર્યા હતા. ગિલ વર્તમાન ટેસ્ટ પહેલાં 722 રન પર હતો અને તેણે પ્રથમ રન કર્યો ત્યારે તેણે સોબર્સનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
હાલમાં ગિલના નામે વર્તમાન શ્રેણીમાં હાઇએસ્ટ 743 રન છે. સોબર્સની સિદ્ધિ પાર કર્યા પછી ગિલે સુનીલ ગાવસકર (GAVASKAR)નો ભારતીય રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો. ગિલે 11મો રન કર્યો એટલે તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન કરનાર ભારતીય કૅપ્ટન બની ગયો છે. ગાવસકરે 1978-’79માં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 732 રન કર્યા હતા.
એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન (ભારતીય સુકાની)
743 રન, શુભમન ગિલ, ઇંગ્લૅન્ડ સામે, 2025
732 રન, સુનીલ ગાવસકર, વેસ્ટ ઇન્ડિઝ સામે, 1978
655 રન, વિરાટ કોહલી, ઇંગ્લૅન્ડ સામે, 2016
610 રન, વિરાટ કોહલી, શ્રીલંકા સામે, 2017
593 રન, વિરાટ કોહલી, ઇંગ્લૅન્ડ સામે, 2018