શુભમન ગિલને પ્લેઇંગ-ઇલેવનમાં કદાચ શાર્દુલ નહીં, કુલદીપ જ જોઈતો હતોઃ ગાવસકર | મુંબઈ સમાચાર

શુભમન ગિલને પ્લેઇંગ-ઇલેવનમાં કદાચ શાર્દુલ નહીં, કુલદીપ જ જોઈતો હતોઃ ગાવસકર

મૅન્ચેસ્ટરઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરનું એવું માનવું છે કે ` ઇંગ્લૅન્ડ સામેની ઑલ્ડ ટ્રેફર્ડની ચોથી ટેસ્ટ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને શાર્દુલ ઠાકુર કદાચ નહોતો જોઈતો, કારણકે તેણે (શુભમને) કુલદીપને જ ઇલેવનમાં સમાવવાની આશા રાખી હતી.’

ગાવસકરનું એવું પણ માનવું છે કે ` બની શકે કે પ્લેઇંગ-ઇલેવન સિલેક્ટ કરવાની બાબતમાં અંતિમ સત્તા કદાચ ગિલ પાસે નથી. હું દૃઢપણે માનું છું કે કૅપ્ટન જે નિર્ણય જણાવે એ મુજબ થવું જોઈએ અને અંતિમ ઇલેવન સિલેક્ટ કરવાની બાબતમાં હેડ-કોચ સહિત બીજા કોઈના મંતવ્યને ધ્યાનમાં ન લેવું જોઈએ. આખરે, પ્લેઇંગ-ઇલેવન એટલે કૅપ્ટનની જ ટીમ હોવી જોઈએ.’

આપણ વાંચો: રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય

કુલદીપ યાદવ (Kuldeep Yadav) વિકેટ-ટેકિંગ બોલર તરીકે જાણીતો છે. ઇંગ્લૅન્ડમાં સતત ચોથી ટેસ્ટમાં તેનો પ્લેઇંગ-ઇલેવનમાં સમાવેશ ન કરાતાં મોટો વિવાદ થયો છે. ખાસ કરીને મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટમાં જૉ રૂટે (Joe Root) રેકૉર્ડ-બ્રેકિંગ સેન્ચુરી ફટકારી એને પગલે કુલદીપની ગેરહાજરી વધુ વર્તાઈ રહી છે.

રૂટના નામે હવે 13,409 ટેસ્ટ રન છે અને તેણે રિકી પૉન્ટિંગને ઓળંગીને સૌથી વધુ રન કરનારાઓમાં બીજું સ્થાન મેળવ્યું છે. હવે માત્ર સચિન તેન્ડુલકર (15,291 રન) રૂટથી આગળ છે.

ગાવસકરે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને એવું પણ કહ્યું હતું કે ` કૅપ્ટનને આ ખેલાડી નહોતો જોઈતો અને પેલો જોઈતો હતો એવું હોવું જ ન જોઈએ. જેમ કે, શુભમનના કિસ્સામાં મનાય છે કે તેને શાર્દુલ નહોતો જોઈતો અને કુલદીપ જ જોઈતો હતો.’

આપણ વાંચો: પ્રતિષ્ઠિત ટ્રોફીનો વિવાદ: સોહા અલી ખાન નારાજ, સુનીલ ગાવસકર પણ ક્રોધિત…

2018ની સાલમાં મૅન્ચેસ્ટર અને લૉર્ડ્સમાં મર્યાદિત ઓવરની બે મૅચમાં કુલદીપે રૂટને બે વખત ત્રણ બૉલમાં આઉટ કરી દીધો હતો. રૂટ જેવા સૌથી ખતરારૂપ બૅટ્સમૅનને કુલદીપના લેફ્ટ-આર્મ સ્પિન સામે રમવું ન ફાવતું હોવા છતાં કુલદીપને વર્તમાન સિરીઝમાં અવગણવામાં આવ્યો એ બદલ ટીમ મૅનેજમેન્ટની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે. સાત વર્ષ પહેલાંની એ બે મૅચમાં ચાઇનામૅન બોલર કુલદીપના સ્પિનને રૂટ સમજે એ પહેલાં આઉટ થઈ ગયો હતો.

ટીમ મૅનેજમેન્ટમાં કૅપ્ટન, હેડ-કોચ તેમ જ સિનિયર ખેલાડીઓનો સમાવેશ હોય છે. સામાન્ય માન્યતા એવી છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર ટીમમાં એવા કેટલાક બોલર ઇચ્છે છે જે બૅટિંગમાં પણ સારું યોગદાન આપી શકે.

ખાસ કરીને હેડિંગ્લી ટેસ્ટમાં ભારતનો સ્કોર 3/430 રન હતો, પરંતુ ધબડકો થતાં 11 ઓવરમાં ભારતીય ટીમ 471 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે 41 રનમાં બાકીની સાત વિકેટ પડી ગઈ હતી.

ગાવસકરે કહ્યું કે ` ગિલને ઇલેવનમાં કુલદીપ મળવો જ જોઈતો હતો. તે કૅપ્ટન છે. લોકો તો એમ જ કહેશે કે કૅપ્ટને જ તેને નહીં રમાડ્યો હોય. સામાન્ય રીતે ડ્રેસિંગ-રૂમમાં બધુ બરાબર ચાલી રહ્યું છે એ દુનિયાને બતાવવા ટીમ મૅનેજમેન્ટમાંના મતભેદોને અને સિલેક્શનને લગતા બખેડાંને છુપાવી દેવામાં આવતા હોય છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button