ગાવસકર પૂછે છે, ‘ગંભીર શું દ્રવિડનું અનુકરણ કરશે? હજી કેમ ચૂપ છે?’

નવી દિલ્હી: બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફ સહિતના સમગ્ર સપોર્ટ સ્ટાફ માટે કુલ મળીને 58 કરોડ રૂપિયાનું ઇનામ (PRIZE MONEY) જાહેર કર્યું હતું અને એ સંબંધમાં ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે.
ગાવસકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ગયા વર્ષે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતી ત્યાર પછી બીસીસીઆઈએ (BCCI) 125 કરોડ રૂપિયાનું જે તોતિંગ ઈનામ જાહેર કર્યું હતું ત્યારે એ સમયના હેડ-કોચ રાહુલ દ્રવિડે (RAHUL DRAVID) 2.50 કરોડ રૂપિયાનું સ્પેશિયલ બોનસ સ્વીકારવાની ના પાડી હતી અને બોર્ડને કહ્યું હતું કે તે પોતાના સપોર્ટ સ્ટાફના દરેક મેમ્બર જેટલું જ ઇનામ સ્વીકારશે, સ્પેશિયલ બોનસ નહીં સ્વીકારે.
આ પણ વાંચો: IPL 2025: તમામ ટીમોની એક-એક મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ?

હવે સુનીલ ગાવસકરે સવાલ ઉઠાવ્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી (CHAMPIONS TROPHY) બાદ ક્રિકેટ બોર્ડે 58 કરોડ રૂપિયાનું જે ઇનામ જાહેર કર્યું છે એમાં હેડ-કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) પોતાના સપોર્ટ સ્ટાફના દરેક મેમ્બર જેટલી જ ઇનામીરકમ લેશે કે પછી પોતે હેડ-કોચ હોવા બદલ તેમનાથી વધુ ઇનામીરકમ સ્વીકારશે?
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટી-20 વિશ્વ કપ જીત્યા બાદ રોહિત શર્મા અને તેની સમગ્ર ટીમ માટે ક્રિકેટ બોર્ડે કુલ 125 કરોડ રૂપિયાનું કુલ ઇનામ જાહેર કર્યું હતું અને એ ઉપરાંત દ્રવિડ માટે 2.50 કરોડ રૂપિયાનું વધારાનું બોનસ પણ જાહેર કર્યું હતું અને દ્રવિડે એ અઢી કરોડ રૂપિયા સ્વીકારવાની વિનમ્રપણે ના પાડી હતી.
આ પણ વાંચો:લિયોનેલ મેસી વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ સાથે ભારત આવશે, જાણો ક્યારે…
ગાવસકરે દ્રવિડનું ઉદાહરણ બતાવીને સવાલ કર્યો છે કે આ વખતે 58 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયાને થોડા દિવસ થઈ ગયા છે અને એમાં પોતે કેટલો હિસ્સો લેશે (સપોર્ટ સ્ટાફના દરેક મેમ્બર જેટલું જ ઈનામ લેશે?) એ વિશે ગંભીર કેમ હજી ચૂપ છે? શું તે રાહુલ દ્રવિડનું અનુકરણ કરશે?
ગાવસકર એવું પણ બોલ્યા છે કે આ કિસ્સામાં ગંભીરને શું રાહુલ દ્રવિડ પરફેક્ટ રોલ મોડલ લાગે છે ખરો?