ભારતના ધબડકા પછી ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘કોચનો નિર્ણય બીસીસીઆઈ લેશે પણ…’

ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમ માટે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી અત્યંત નિરાશાજનક રહી છે. ટીમ ઇન્ડિયાને આ શ્રેણીમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં ગુવાહાટીમાં મળેલી હાર રનના મામલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર હતી. આ શરમજનક પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે અનેક સવાલોના જવાબો આપ્યા હતા.
જોકે, પત્રકારોએ જ્યારે તેમને ટેસ્ટ ક્રિકેટમાં હેડ કોચ તરીકેની તેમની યોગ્યતા વિશે પણ ગંભીર સવાલ કરવામાં આવ્યા ત્યારે ગંભીરના જવાબમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે મારા જ નેતૃત્વ હેઠળ ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને એશિયા કપ પણ જીત્યો હતો.
ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ ટેસ્ટ ક્રિકેટમાં હેડ કોચના પદ માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે? આના જવાબમાં ગંભીરે સ્પષ્ટતા કરી હતી કે, “આ નિર્ણય લેવાનું કામ બીસીસીઆઈનું છે.” જોકે, આ સાથે તેણે પોતાના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાને મળેલી જીતને પણ ગણાવી હતી.
આ પણ વાંચો: ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નબળા પ્રદર્શન માટે ગૌતમ ગંભીર જવાબદાર! શાસ્ત્રી-ગાંગુલીએ ઉઠાવ્યા સવાલ
ગૌતમ ગંભીરે કહ્યું, “તમે યાદ રાખો કે હું એ જ વ્યક્તિ છું જેના નેતૃત્વમાં ભારતે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું, ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને એશિયા કપ પણ જીત્યો.” ગંભીરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભલે ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોય, પરંતુ તેઓ ટી20 અને વન-ડે ફોર્મેટમાં તેમના પ્રદર્શનને પણ ધ્યાનમાં લેવા ઈચ્છે છે.
જોકે આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મળેલી હારની સંપૂર્ણ જવાબદારી ગૌતમ ગંભીરે લીધી હતી. તેણે કહ્યું કે, “કોઈ એક ખેલાડી કે કોઈ એક શૉટને જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. આ હારની જવાબદારી સૌની છે અને તેની શરૂઆત મારાથી થાય છે.”
આ પણ વાંચો: ગૌતમ ગંભીરનાં કોચિંગની જરૂર નથી! આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે આવી મજાક કેમ કરી?
તેણે હારનું વિશ્લેષણ કરતાં કહ્યું કે, “અમારે ચોક્કસપણે વધુ મહેનત કરવી પડશે. પ્રથમ ઇનિંગમાં એક સમયે અમારો સ્કોર એક વિકેટે 95 રનનો હતો, જે પછી સાત વિકેટે 122 રન થઈ ગયો, જે સ્વીકાર્ય નથી.” ગંભીરે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, “મેં ક્યારેય હાર પછી કોઈ એક ખેલાડીને દોષિત ઠેરવ્યો નથી અને ભવિષ્યમાં પણ હું આવું નહીં કરું. દોષ બધાનો છે.”
ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ ભારતે અત્યાર સુધીમાં 18 ટેસ્ટ મેચોમાંથી 10માં હારનો સામનો કર્યો છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામેની ગયા વર્ષની ઘરઆંગણાની હારનો પણ સમાવેશ થાય છે. આ આંકડાઓ ટીમ માટે ચિંતાજનક છે.
આ અંગે વાત કરતા ગંભીરે કહ્યું કે, “ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે અત્યંત તેજસ્વી અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી. આપણને મર્યાદિત કૌશલ્યવાળા, પરંતુ મજબૂત માનસિકતાવાળા ખેલાડીઓની જરૂર છે.” તેમના મતે મજબૂત માનસિકતા ધરાવતા ખેલાડીઓ જ સારા ટેસ્ટ ક્રિકેટર બની શકે છે, જે ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે જરૂરી છે.



