સ્પોર્ટસ

રોહિત-વિરાટ ઉપરાંત હેડ-કોચ ગૌતમ પર પણ બીસીસીઆઇમાં ગંભીર ચર્ચા થઈ શકે

મૅન ઑફ સિરીઝ બુમરાહ 32 વિકેટ સાથે અને ટ્રેવિસ હેડ 448 રન સાથે શ્રેણીમાં અવ્વલ

સિડનીઃ ભારતે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર ઑસ્ટ્રેલિયાને છેલ્લી ટેસ્ટમાં લડત આપ્યા વગર ત્રીજા જ દિવસે પરાજય સ્વીકારી લીધો હતો.

ઑસ્ટ્રેલિયાએ સિરીઝમાં 3-1થી વિજય મેળવ્યો તેમ જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની જૂન મહિનાની લૉર્ડ્સ ખાતેની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો જેમાં એનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે.

ડબ્લ્યૂટીસીમાંથી ભારત આઉટ થઈ ગયું છે. ભારતીય ટીમે 10 વર્ષે બોર્ડર-ગાવસકર ટ્રોફી ગુમાવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફ્લૉપ-શોને કારણે ટેસ્ટ ટીમમાં હવે તેમને ફરી સ્થાન આપવા પર ખૂબ ચર્ચા તો થશે જ, હેડ-કોચ ગૌતમ ગંભીરનો હોદ્દો પણ નિશાન બની શકે. ગંભીરના કોચિંગમાં ભારતે દસમાંથી છ ટેસ્ટમાં પરાજય જોયો તેમ જ શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં પણ ભારતની હાર થઈ હતી.

આપણ વાંચો: IND vs AUS: WTC ફાઈનલ રમવાનું ટીમ ઇન્ડિયાનું સપનું તૂટ્યું, સિડની ટેસ્ટમાં પણ નાલેશીભરી હાર

પીટીઆઇના અહેવાલ મુજબ જો રોહિત-વિરાટને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની હાર માટે સૌથી વધુ જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હોય તો ભારતીય ટીમ પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહી છે એવું કહીને ગંભીરના હોદ્દાને નજરઅંદાજ ન જ કરી શકાય.

છેલ્લા એક પખવાડિયામાં રવિચન્દ્રન અશ્વિનની ઓચિંતી નિવૃત્તિ અને સિડનીની છેલ્લી ટેસ્ટમાંથી પોતાને `ડ્રૉપ’ કરવાની કૅપ્ટન રોહિત શર્માની જે ઘટના બની એ ટીમ ઇન્ડિયા માટે વિચિત્ર અને ચર્ચાસ્પદ કહેવાય. અગાઉ ભારતીય ક્રિકેટમાં આવું ક્યારેય નહોતું બન્યું.

ગૌતમ ગંભીરના કોચિંગના હોદ્દા પર ક્રિકેટ બોર્ડમાં ગંભીર ચર્ચા થવાની સંભાવના છે. ભારત પહેલી જ વાર ડબ્લ્યૂટીસીની ફાઇનલથી વંચિત રહી ગયું છે. 2021ની પ્રથમ ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને 2023ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.

આપણ વાંચો: રોહિત-વિરાટના ટેસ્ટ યુગનો સાગમટે અંત આવી રહ્યો છે કે શું?

જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ જીતીને સિરીઝમાં સકારાત્મક શરૂઆત કરી હતી, પણ ટૉપ-ઑર્ડર બૅટર્સના ફ્લૉપ-શોને કારણે ભારતે સિરીઝના સારા આરંભ પછી પણ ટ્રોફીથી હાથ ધોઈ નાખવા પડ્યા. 2014થી 2024 દરમ્યાન ભારતે ચાર વખત ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ 2-1, 2-1, 2-1, 2-1થી જીતી હતી, પરંતુ આ વખતે 1-3થી કારમો પરાજય જોવો પડ્યો છે.

ભારત વતી આ સિરીઝમાં બોલિંગ પર્ફોર્મન્સ એકંદરે સારો હતો, પરંતુ બૅટિંગમાં સાવ ફ્લૉપ સાબિત થયા. નવમાંથી છ ઇનિંગ્સમાં ભારતનો સ્કોર 200 રનથી નીચે હતો.

ભારતીય ટીમ રવિવારે બીજા દાવમાં 157 રનમાં ઑલઆઉટ થઈ અને ઑસ્ટ્રેલિયાએ 162 રનનો લક્ષ્યાંક ચાર વિકેટના ભોગે 27 ઓવરમાં મેળવી લીધો હતો. એમાં ઉસમાન ખ્વાજાના 41 રન, બો વેબસ્ટરના અણનમ 39 રન અને ટ્રેવિસ હેડના અણનમ 34 રન સામેલ હતા.

આપણ વાંચો: IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો

ચારમાંથી ત્રણ વિકેટ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ અને એક વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. કાર્યવાહક કૅપ્ટન અને વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ રવિવારે મૅચના છેલ્લા દિવસે પીઠની ઈજાને લીધે નહોતો રમ્યો. જો તે રવિવારે રમી શક્યો હોત તો ઑસ્ટ્રેલિયા 162 રનનો ટાર્ગેટ કદાચ ન મેળવી શક્યું હોત.

જોકે સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લઈને બુમરાહે ઑલમોસ્ટ એકલા હાથે ભારતીય ટીમનો બોજ ઊંચક્યો એ શાનદાર પર્ફોર્મન્સ બદલ તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

ભારતની આગામી ટેસ્ટ શ્રેણી હવે છેક છ મહિના પછી રમાશે એટલે ત્યાં સુધીમાં ભારતીય ક્રિકેટના સત્તાધીશોએ તેમ જ સિલેક્ટરોએ ટેસ્ટ ટીમને પરિવર્તન સાથે નવો ઓપ આપવો પડશે. ચેતેશ્વર પુજારા તથા અજિંક્ય રહાણે અને મયંક અગરવાલનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન થશે કે કેમ એના પર પણ ચર્ચાઓ થશે.

આપણ વાંચો: IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’

ઑક્ટોબર-નવેમ્બર, 2024માં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમનો 0-3થી વાઇટ-વૉશ થયો ત્યારે જ લાગતું હતું કે ઘરઆંગણે આવું ખરાબ રમ્યા તો ઑસ્ટ્રેલિયામાં કેવી હાલત થશે? બન્યું પણ એવું જ. પર્થમાં જસપ્રીત બુમરાહના સુંદર નેતૃત્વમાં તેમ જ કાબિલેદાદ બોલિંગ પર્ફોર્મન્સથી ન જીત્યા હોત તો ઑસ્ટ્રેલિયામાં 0-4ની હાર પાકી જ હતી. પર્થમાં ભારતે 295 રનથી વિજય હાંસલ કર્યો હતો.


ટેસ્ટ સિરીઝના પાંચ-પાંચ ટૉપર્સ

બૅટિંગઃ

ટ્રેવિસ હેડ…નવ ઇનિંગ્સમાં 448 રન
યશસ્વી જયસ્વાલ…દસ ઇનિંગ્સમાં 391 રન
સ્ટીવ સ્મિથ…નવ ઇનિંગ્સમાં 341 રન
નીતીશ કુમાર રેડ્ડી…નવ ઇનિંગ્સમાં 298 રન
કેએલ રાહુલ…દસ ઇનિંગ્સમાં 276 રન

બોલિંગઃ

જસપ્રીત બુમરાહ…નવ ઇનિંગ્સમાં 32 વિકેટ
પૅટ કમિન્સ…દસ ઇનિંગ્સમાં 25 વિકેટ
સ્કૉટ બૉલેન્ડ…છ ઇનિંગ્સમાં 21 વિકેટ
મોહમ્મદ સિરાજ…દસ ઇનિંગ્સમાં 20 વિકેટ
મિચલ સ્ટાર્ક…દસ ઇનિંગ્સમાં 18 વિકેટ

ફિલ્ડિંગઃ

વિકેટકીપિંગઃ રિષભ પંતના દસ ઇનિંગ્સમાં પચીસ શિકાર, ઍલેક્સ કૅરી દસ ઇનિંગ્સમાં બાવીસ શિકાર
સૌથી વધુ કૅચઃ (1) સ્ટીવ સ્મિથ, 12 કૅચ (2) ઉસ્માન ખ્વાજા, આઠ કૅચ (3) કેએલ રાહુલ, આઠ કૅચ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button