દ્રવિડ-શાસ્ત્રીએ જે ન કર્યું એ કામ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે!

નવી દિલ્હીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ વિક્રમજનક ત્રીજી વાર જીતીને પાછા આવેલા ભારતીય ખેલાડીઓ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ પહેલાં ગણતરીના દિવસો તેમના પરિવાર અને મિત્રો સાથે વીતાવવામાં વ્યસ્ત થઈ ગયા છે અને પછી તેઓ પોતાના ફ્રૅન્ચાઇઝી દ્વારા આયોજિત કૅમ્પમાં જોડાઈ જશે, પરંતુ હેડ-કોચ ગૌતમ ગંભીરની યોજના કંઈ ક જુદી જ છે. તે ફુરસદના દિવસોમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે જવા માગે છે. ભૂતકાળમાં જે કામ રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રી નહોતા કરી શક્યા એ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટમાં નૅશનલ ટીમના હેડ-કોચ ક્યારેય ઇન્ડિયા એ' ટીમ સાથે વિદેશ પ્રવાસ નહોતા ગયા. ગંભીર હવે એ જવાબદારી સંભાળશે. બીસીસીઆઇ દ્વારા છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ઇન્ડિયા
એ’ તથા અન્ડર-19 ટીમ સાથે વિદેશ પ્રવાસે નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માંથી જ કોઈ પ્રશિક્ષકને મોકલવામાં આવ્યા છે. જોકે ગંભીર હવે નવો ચીલો પાડવા માગે છે.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી લઈને દુબઈથી પાછા આવી ગયા ચૅમ્પિયનો, મુંબઈ ઍરપોર્ટની બહાર લોકોની ભારે ભીડ…
તે ઇન્ડિયા એ' ટીમ સાથે બ્રિટનના પ્રવાસે જઈને ત્યાં આ ટીમમાંથી ટીમ ઇન્ડિયા માટે પ્રતિભાશાળી ખેલાડીઓ શોધવા માગે છે. આઇપીએલ પછી જૂનમાં ભારતની પ્રથમ સિરીઝ ઇંગ્લૅન્ડમાં રમાશે જ્યાં ભારતીય ખેલાડીઓ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે અને એ શ્રેણી માટે આશાસ્પદ ખેલાડીઓ શોધવા ગૌતમ ગંભીર ઇન્ડિયા
એ’ની આગામી ટૂરમાં જોડાવા માગે છે જે વિશે તેણે બીસીસીઆઇને જાણ કરી હોવાનું મનાય છે.
ગયા વર્ષે રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતીયો ટી-20નો વર્લ્ડ કપ જીત્યા ત્યાર પછી ગંભીરે કોચિંગના સૂત્રો સંભાળ્યા હતા અને ત્યારથી માંડીને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતાપદ મેળવ્યું એ અગાઉના આઠ મહિનાના સમયકાળમાં ટીકાઓના વરસાદનો સામનો કર્યો હતો. ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-શ્રેણીમાં 0-3થી હાર અને પછી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝમાં 1-4થી પરાજય થતાં ગંભીરનું કોચિંગ અનેક લોકોનું નિશાન બન્યું હતું.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
એ બે ટેસ્ટ શ્રેણી જેવી હાલત ઇંગ્લૅન્ડમાં ન થાય એ માટે ગંભીર અત્યારથી પાણી પહેલાં પાળ' બાંધી લેવા માગે છે. તે ઇન્ડિયા
એ’ ટીમના ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં જોડાવા માગે છે કે જેથી ત્યાં જઈને ઇન્ડિયા એ'માંથી સારી ટૅલન્ટ શોધી શકે.
ગંભીર હેડ-કોચ તરીકે પોતાના નેતૃત્વમાં ઇન્ડિયા
એ’ની ટીમને ઇંગ્લૅન્ડ લઈ જવા માગે છે કે ફક્ત પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં બેસીને પ્રતિભાશાળી ખેલાડીઓ શોધશે એ હજી નક્કી નથી.
રવીન્દ્ર જાડેજા ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. વન-ડેમાં તેઓ હાલમાં રિટાયર થાય એવી સંભાવના નથી, પરંતુ ટેસ્ટ ટીમમાં તેમનું (રોહિત-વિરાટનું) સ્થાન (છેલ્લી બે સિરીઝની નિષ્ફળતા જોતાં) હાલકડોલક જણાય છે. ગંભીર કેટલાક સિનિયર ખેલાડીઓના સારા વિકલ્પ બની શકે એવા ખેલાડીઓને ટેસ્ટ ટીમ માટે શોધવાની તલાશમાં હોઈ શકે.
હાલમાં ઇન્ડિયા `એ’ ટીમની કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણના હાથમાં છે, પરંતુ ગંભીર આ ટીમ સાથે મેન્ટર તરીકે જોડાશે કે લક્ષ્મણને બદલે પોતે કોચ બનીને યુકે જશે એ જોવું રહ્યું. ગંભીર ભારતને બે વર્લ્ડ કપ (2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વન-ડે વર્લ્ડ કપ)ની ટ્રોફી અપાવી ચૂક્યો છે. તેના મતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝન (2025-’27) શરૂ થશે તેમ જ 2027માં વન-ડેમાં વર્લ્ડ કપ પણ રમાશે એટલે એ પહેલાં ગંભીર ટીમ ઇન્ડિયાને તમામ ફૉર્મેટમાં મજબૂત બનાવવા મક્કમ છે.