`શામ કો ક્યૂં, અભી માર લો…’ ગૌતમ ગંભીરે આવી ધમકી આપી હોવાનો કયા ખેલાડીએ આક્ષેપ કર્યો?
ભૂતપૂર્વ પ્લેયરે એવું પણ કહ્યું કે `વસીમ અકરમ વચ્ચે ન પડ્યો હોત તો અમારી વચ્ચે મારામારી જ થઈ ગઈ હોત'

કોલકાતાઃ ભારતના બે ભૂતપૂર્વ ક્રિકેટરો ગૌતમ ગંભીર અને મનોજ તિવારી વચ્ચે થોડા વર્ષો પહેલાં સંબંધોમાં જે કડવાશ હતી અને એક વાર મેદાન પર તેમની વચ્ચે તીવ્ર ઘર્ષણ થઈ ગયું હતું જેમાં ગંભીરે તિવારીને મારવાની કથિત ધમકી આપી હતી એ ઘટના તાજેતરમાં ગંભીર ઑસ્ટ્રેલિયા ખાતેની ફ્લૉપ ટૂરને પગલે ચર્ચામાં આવી જવાને પગલે ફરી બહાર આવી છે. એક ઇન્ટરવ્યૂમાં આ વાત ખુદ મનોજ તિવારીએ કરી છે.
તિવારીએ એક મુલાકાતમાં ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર સામેના આક્ષેપમાં કહ્યું છે કે એક વાર મેદાન પર ગંભીરે મને ખૂબ ગાળો આપી હતી અને મને મારવાની ધમકી પણ આપી હતી.’ આ વાત ગંભીર અને તિવારી આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમ વતી રમી રહ્યા હતા ત્યારની છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ત્યારે કેકેઆરની તિવારીની ટીમમાં બૅટિંગ-પૉઝિશન વિશે કૅપ્ટન ગંભીર સાથે તકરાર થઈ હતી. તિવારીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું,હું ખૂબ હતાશ હતો અને વૉશરૂમમાં જતો રહ્યો ત્યારે ગંભીર મારી પાછળ વૉશરૂમમાં ઘૂસી આવ્યો અને મને કહ્યું કે તારું આ વર્તન જરાય નહીં ચલાવી લઉં…તુઝે કભી ખિલાઉંગા નહીં.’
જોકે એ સમયનો કેકેઆરનો બોલિંગ-કોચ વસીમ અકરમ સંભવિત ઘર્ષણની શંકા જતાં વૉશરૂમમાં આવી ગયો હતો અને ગંભીર-તિવારી વચ્ચેની દલીલબાજી વધુ ઉગ્ર બને એ પહેલાં મામલો ઠંડો પાડ્યો હતો. તિવારીએ મુલાકાતમાં કહ્યું, જો અકરમ ત્યારે વચ્ચે ન પડ્યો હોત તો અમારી વચ્ચે (તિવારી-ગંભીર વચ્ચે) મારામારી જ થઈ ગઈ હોત.’ તિવારીએ ગંભીરના અભિગમની વાત કરતા કહ્યું,અખબારોમાં જ્યારે પણ નવા ખેલાડીની વાહ-વાહ થાય ત્યારે કેટલાક લોકોને એ નથી ગમતું. કદાચ એટલે જ તે (ગંભીર) મારા પર ગુસ્સે હતો. ત્યારે મારી પણ પીઆર ટીમ હોત તો આજે હું ભારતનો કૅપ્ટન હોત.’
Also read: ગૌતમ ગંભીરે જયારે ગુસ્સામાં ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો!
2015ની સાલમાં એક રણજી મૅચમાં પણ ગંભીર-તિવારી વચ્ચે ચકમક થઈ હતી. તિવારીએ એ વિશે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ગંભીર સ્લિપમાં ઊભો ઊભો મને ગાળ આપ્યા કરતો હતો. એક તબક્કે તો તેણે મને કહ્યું કેશામ કો મિલ, મૈં તુઝે મારતા હૂં.’ તિવારીએ એ ઘટનાની વાત આગળ વધારતા કહ્યું, મેં તેને કહી દીધું કે શામ કો ક્યૂં, અભી માર લો.’ તિવારીના મતે ત્યારે ગંભીરના વર્તનને કારણે મૅચ પર વિપરીત અસર થઈ હતી. તિવારી કહે છે,તેણે (ગંભીરે) અમ્પાયરને પણ નહોતા છોડ્યા. અમ્પાયરે જ્યારે મામલો શાંત પાડવા અમારી વચ્ચે દરમ્યાનગીરી કરી ત્યારે તેણે એક અમ્પાયરને ધક્કો માર્યો હતો. ત્યાર પછી તે મિડ-ઑફના સ્થાન પરથી મને ગાળ આપતો રહ્યો હતો. ત્યારે તેની વગ એટલી બધી હતી કે અમ્પાયરો તેને વધુ કંઈ જ નહોતા કહી શક્યા.’