ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ સ્ટેડીયમ ખાતે રમાશે. સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ ચાલી રહી છે, સિરીઝ ડ્રો કરવા ભારતીય ટીમ માટે આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી અનિવાર્ય છે. હાલ તમામ ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડી રહ્યા છે, ત્યારે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટીસ સેશન દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ઓવલના પીચ ક્યુરેટર સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે.
આજે બુધવારે સવારે પ્રેક્ટીસ સેશન દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ પીચ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી. અહેવાલ અનુસાર, ગંભીર પિચની બનાવટથી નારાજ હતાં, જેને કારણે તેઓ ક્યુરેટર સાથે વાત કરવા પહોંચ્યા હતાં. ત્યાર બાદ બંને વચ્ચે મતભેદને કારણે ઉગ્ર દલીલો થઇ હતી.
આ પણ વાંચો: દેશ માટે રમવા આવો છો, હૉલીડે-ટૂર પર નથી આવતાઃ ગૌતમ ગંભીરે આવું કેમ અને કોના માટે કહ્યું
ગૌતમ ગંભીરે પીચ ક્યુરેટર લી ફોર્ટિસને કહ્યું, ‘તમે અહીં ફક્ત ગ્રાઉન્ડ્સમેન છો.’ પ્રેક્ટીસ સેશન દમિયાન હાજર બેટિંગ કોચ સિતાંશુ કોટક તુરંત ત્યાં પહોંચ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેમની સાથે વાત કરી.
ગંભીર સામે કેસ નોંધાશે?
અહેવાલ મુજબ સ્ટેડીયમમાં આપવામાં આવેલી ફેસિલિટી અંગે પણ ગૌતમ ગંભીર ગ્રાઉન્ડ સ્ટાફથી નારાજ હતાં, એક વિડીયોમાં જોવા મળે છે તે ગ્રાઉન્ડ સ્ટાફ તરફ આંગળી ચીંધે છે અને બૂમો પડે છે. ગંભીરે સ્ટાફને કહ્યું, “અમારે શું કરવું એ તમે અમને ન કહી શકો!”
આ પણ વાંચો: ગૌતમ ગંભીરના ‘ગંભીર’ સ્વભાવનું રહસ્ય ખુલ્યું: “હું ગંભીર છું, તેથી જ…
અહેવાલ મુજબ ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફે ગંભીર સામે ફરિયાદ નોંધાવવાની વાત કરી, ત્યારે ગંભીરે કહ્યું, “તમે જેને ઈચ્છો તેને જઈને રિપોર્ટ કરી શકો છો, પણ અમારે શું કરવું એ તમે ન કહી શકો.”
નોંધનીય છે કે ગૌતમ ગંભીર તેમના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેમની કારકિર્દી દરમિયાન તેમનો ઘણા ખેલાડીઓ સાથે ઝઘડો થઇ ચુક્યો છે. IPL દરમિયાન વિરાટ કોહલી સાથે તેમનો ઝઘડો ખુબ ચર્ચામાં રહ્યો હતો.