Gautam Gambhir: ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે ગંભીરનું નામ લગભગ નક્કી, ગાંગુલી એ કરી દીધી આવી વાત

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ(Team India Head coach)ના હેડ કોચ રાહુલ દ્રવિડનો BCCI સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો છે. BCCIએ નવા હેડ કોચની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. નવા કોચની જવાબદારી કોને આપવામાં આવશે એ અંગે ઘણી અટકળો ચાલી રહી છે, એવામાં એક અહેવાલ મુજબ ગૌતમ ગંભીર(Gautam Gambhir)ને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી મળે એ લગભગ નક્કી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટુર્નામેન્ટમાં વિજેતા બની છે, જેને કારણે BCCI તેના પર પસંદગી ઉતારી શકે છે. ભારતીય ટીમના મુખ્ય કોચની ભૂમિકા માટે ઓસ્ટ્રેલિયાના મોટા નામો તેમજ સ્ટીફન ફ્લેમિંગ અને એન્ડી ફ્લાવર જેવા અન્ય આઈપીએલ કોચનો પણ અપ્રોચ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, પરંતુ ગંભીરનું નામ બાકી બધા નામો કરતા આગળ જણાય છે.
KKR ના મેન્ટર તરીકેની ભૂમિકા પહેલા ગંભીરે અગાઉ IPL સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે જવાબદારી નિભાવી હતી. જો કે ગૌતમ ગંભીર પાસે રાષ્ટ્રીય ટીમ અથવા તો IPLના હેડ કોચ તરીકેનો અનુભવ નથી, તેમ છતાં આ વર્ષે KKRને IPL વિજય સુધી લઈ જવામાં તેની ભૂમિકા BCCI માટે દ્રવિડના અનુગામી તરીકે તેના નામ પર ગંભીરતાથી વિચાર કરવા માટે પૂરતી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરને સમર્થન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે જો તેને જવાબદારી સોંપવામાં આવે તો તે નેશનલ ટીમ માટે ખૂબ સારો કોચ સાબિત થઇ શકે છે.
તેમણે કહ્યું કે, “મને ખબર નથી કે તેણે અરજી કરી છે, પણ તે ખૂબ જ સારો કોચ સાબિત થઇ શકે છે. તે પ્રામાણિક છે, રમતને સારી રીતે સમજે છે અને IPLમાં નાઈટ રાઈડર્સ સાથે તેને સફળતા મેળવી છે. ગૌતમમાં, ભારતના મુખ્ય કોચ બનવાના જરૂરી તમામ ગુણો છે. “
ગાંગુલીએ ઉમેર્યું, “કોઈ ફ્રેન્ચાઈઝીને કોચિંગ અથવા મેન્ટરિંગ કરવું, અને નેશનલ ટીમ કોચિંગ આપવું વચ્ચે મોટો તફાવત છે, એ પણ ભારત જેવી હાઈ-પ્રોફાઈલ ટીમ માટે.”