કોલકાતાના પિચ-વિવાદ બાદ ગૌતમ ગંભીરે આ શું કરી નાખ્યું? કોઈએ કલ્પના પણ નહીં કરી હોય!

કોલકાતાઃ રવિવારે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ માત્ર અઢી દિવસની અંદર ભારત (India)ના ઘોર પરાજય સાથે પૂરી થઈ એને પગલે ઈડન (Eden) ગાર્ડન્સની પિચ વિશે ખૂબ ટીકા થઈ હતી, પરંતુ ખુદ ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) મંગળવારે ઈડનના પિચ-ક્યૂરેટર સુજન મુખર્જીને ભેટી રહેલો જોવા મળતાં ક્રિકેટ જગતમાં આ મુલાકાત ચર્ચાના ચકડોળે ચડી છે. રવિવારે 124 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 93 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઈડનની સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર ભારતના સ્પિનર્સ તો સફળ થયા હતા, પણ સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સામે ભારતના બૅટ્સમેનો સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. મૅચ બાદ અનેક ક્રિકેટ પંડિતોએ ઈડનની પિચ વિશે ખૂબ ટીકા કરી હતી, પણ ગૌતમ ગંભીરે પિચનું સમર્થન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આપણ વાચો: ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ
બીજી ટેસ્ટ ગુવાહાટીમાં શનિવાર, બાવીસમી નવેમ્બરથી રમાવાની છે અને ત્યાં પહોંચતાં પહેલાં મંગળવારે કોલકાતામાં ટીમ ઇન્ડિયા માટે એક વૈકલ્પિક પ્રૅક્ટિસ-સેશન રાખવામાં આવ્યું હતું અને એ સત્ર દરમ્યાન ગૌતમ ગંભીર પિચ ક્યૂરેટર સુજન મુખર્જીને ભેટી રહેલો જોવા મળ્યો હતો.
એ પહેલાં, રવિવારે ગંભીરે ઈડનની પિચના બચાવમાં પત્રકારોને કહ્યું હતું કે ` અમે આવી જ પિચ ઇચ્છતા હતા. મને લાગે છે કે પિચ ક્યૂરેટરે અમને ખૂબ સપોર્ટ આપ્યો હતો. જોકે જ્યારે સારું ન રમીએ તો આવું જ (ભારતની હારનું) પરિણામ જ જોવા મળે. પિચ ગમે એવી હતી, એના પર 124 રનનો લક્ષ્યાંક ચેઝ થઈ શકે એમ હતો. જો અમારા બૅટ્સમેન વધુ સારી સંરક્ષણ શક્તિથી અને સંયમથી રમ્યા હોત તો તેમણે વધુ રન કર્યા હોત.’
પીઢ ક્રિકેટર સુનીલ ગાવસકરે પણ ગંભીરના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે પિચમાં બહુ ખરાબી નહોતી અને 124 રનનો ટાર્ગેટ મેળવી શકાય એમ હતો.



