બેમાંથી એક સ્પિનરને બદલે નીતિશ રેડ્ડીને રમાડજો, બહુ કામ લાગશેઃ ગાંગુલી
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુભમન ગિલની ઈજાને ટીમ ઇન્ડિયા માટે મોટા ઝટકા' તરીકે ઓળખાવી છે, પરંતુ તેનું એવું પણ માનવું છે કે
ઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની સિરીઝ રમવા ગયેલી ભારતીય સ્ક્વૉડમાં બીજા કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેઓ આ આંચકાને ભુલાવી શકે છે અને ટીમ માટે મૅચ-વિનિંગ પર્ફોર્મ કરી શકે છે. બે ટેસ્ટમાં બેમાંથી એક સ્પેશિયાલિસ્ટ સ્પિનરના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને રમાડવો જોઈએ.’
ગિલને પ્રૅક્ટિસ દરમ્યાન ડાબા હાથના અંગૂઠામાં ફ્રૅક્ચર થયું હતું, જ્યારે રોહિત શર્મા બીજી વાર પિતા બન્યો છે અને પ્રથમ ટેસ્ટમાં નથી રમવાનો.
બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થતી પ્રથમ ટેસ્ટ પહેલાં ગાંગુલીએ પીટીઆઇને જણાવ્યું, ઈજાને લીધે શુભમન ગિલની થયેલી બાદબાકી ટીમ માટે મોટો ઝટકો કહેવાય, પણ મને લાગે છે કે સ્ક્વૉડમાં એવા કેટલાક બૅટર છે જેઓ આ બન્નેના (રોહિત અને ગિલના) સારા વિકલ્પ બની શકે. મને નથી લાગતું કે ન્યૂ ઝીલૅન્ડ સામેની તાજેતરની હારની કોઈ મનોવૈજ્ઞાનિક વિપરીત અસર ભારતીય ટીમ પર થશે.
હાર્દિક પંડ્યા હાલમાં ટેસ્ટ ટીમમાં ન હોવાથી ટીમ ઇન્ડિયા પાસે સારા પેસ બોલિંગ ઑલરાઉન્ડર કહી શકાય એવા ખેલાડીઓની તંગી છે. નીતિશ કુમાર રેડ્ડી હજી ઘણો નવો કહેવાય, પરંતુ આંધ્રના આ ક્રિકેટરને મોકો આપવામાં આવે તો તે ટીમને ખૂબ ઉપયોગી થઈ શકે.
આપણ વાંચો: બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!
હું તો કહું છું કે પર્થ (ઑપ્ટસ સ્ટેડિયમ) અને બ્રિસ્બેન (ગૅબા)ની ટેસ્ટમાં બે સ્પેશિયાલિસ્ટ સ્પિનરની કોઈ જરૂર નથી. એવા મેદાન પર નીતિશ કુમાર રેડ્ડી લોઅર-ઑર્ડર બૅટિંગમાં ઘણો કામ લાગી શકે. તેના સમાવેશથી ટીમને ઘણી સમતુલા પણ મળશે.' અહીં ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયામાં મુખ્ય સ્પિનર્સમાં આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ છે.
ગાંગુલીએ મોહમ્મદ શમી વિશે પૂછાતાં કહ્યું,
મને લાગે છે કે સિલેક્ટરો શમીને ઝડપભેર ટીમ ઇન્ડિયામાં પાછો નથી લાવી રહ્યા. તેઓ તેને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં રમાડવા માગે છે. છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં રમાનારી ડે/નાઇટ ટેસ્ટથી તેને ટીમમાં કમબૅક કરાવવું જોઈએ.
તાજેતરની રણજી મૅચમાં શમીએ કુલ મળીને લગભગ 45 ઓવર બોલિંગ કરી, 100 ઓવર સુધી તેણે ફીલ્ડિંગ કરી અને થોડા રન પણ બનાવ્યા. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાંની ફિટનેસ પુરવાર કરવા માટે આ ઘણું કહેવાય. ઑસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહની સાથે તેના જેવો કાબેલ ફાસ્ટ બોલર હોવો જ જોઈએ.’