નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીરે શનિવારે અચાનક જ રાજકારણમાંથી સંન્યાસ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે એ પાછળ કેટલાક કારણો છે.
2019માં ભાજપના ઉમેદવાર તરીકે ઈસ્ટ દિલ્હીની બેઠક પરથી જીતનાર ગંભીરે ક્રિકેટમાં પાછા ફરવા આ નિર્ણય લીધો છે. ભાજપના મોવડીઓ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગંભીરને ફરી ઈસ્ટ દિલ્હીમાંથી નહીં તો પણ અન્ય કોઈ મતવિસ્તારની ટિકિટ આપવા માગતા હતા, પરંતુ ગંભીરે પૉલિટિક્સને ગુડબાય કરીને સૌને વિચારતા કરી દીધા છે.
ગંભીરે ક્રિકેટને લગતા કેટલાક કમિટમેન્ટ્સ પૂરા કરવાના હેતુથી રાજકારણ છોડ્યું એવું સોશિયલ મીડિયા મારફત ભાજપને જણાવ્યું છે. એ સંબંધમાં મોટા ભાગે એવી વાતો છે કે કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને બે આઇપીએલ-ટાઇટલ અપાવી ચૂકેલો ગંભીર તાજેતરમાં કેકેઆરનો મેન્ટર બન્યો હોવાથી એને ફરી ચૅમ્પિયન બનાવવાના હેતુથી જ પૂર્ણપણે ક્રિકેટમાં પાછો આવી ગયો છે.
જોકે એક અખબારી અહેવાલ મુજબ ગંભીર કેકેઆર ઉપરાંત દિલ્હીની સ્થાનિક ક્રિકેટના વહીવટમાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માગે છે. તે દિલ્હી કિક્રેટના ઍડમિનિસ્ટ્રેશનમાં ભાજપના ભૂતપૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીની ખૂબ નજીકમાં હતો. જેટલીનું 2019માં અવસાન થયું હતું. તેમના નિધન પહેલાં ગંભીરે જેટલીની સલાહને પગલે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે એવું મનાય છે કે ગંભીર દિલ્હી ક્રિકેટમાં ફરી ઍક્ટિવ થવા મક્કમ છે.