Gambhir’s Coaching Job at Stake in ODI Champions Trophy

હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પર સંકટ, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિષ્ફળ જઈશું તો…

સિડનીઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ તો કપરી મુસીબતમાં છે જ, હેડ-કોચ ગૌતમ ગંભીર પર પણ સંકટના વાદળ ઘેરાયેલા છે અને જો સિડનીમાં શુક્રવારે શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં પણ ભારત હારશે અને પછી ફેબ્રુઆરીની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમ સારું પર્ફોર્મ નહીં કરે તો ગંભીર પાસેથી કદાચ કોચિંગનો હોદ્દો પાછો લઈ લેવામાં આવશે. આ સંભાવનાને લીધે ભારતીય ક્રિકેટમાં સનસનાટી મચી ગઈ છે.

આ પણ વાંચો : ICC Test Ranking: યશસ્વી જયસ્વાલને ફાયદો, ટ્રેવિસ હેડ નુકશાન, આ ખેલાડી નં.1…

ભારતીય ટીમ હાલમાં ખરાબ પર્ફોર્મ કરી રહી છે. ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી ટેસ્ટ-સિરીઝ હારી ગયા પછી ઑસ્ટ્રેલિયામાં મુસીબતમાં મુકાઈ છે. ઑસ્ટ્રેલિયામાં અગાઉની બન્ને શ્રેણી 2-1થી જીતી લેનાર ભારત સામે ઑસ્ટ્રેલિયાની ટીમ 2-1થી આગળ છે. યશસ્વી જયસ્વાલને બાદ કરતા તમામ ટૉપ-ઑર્ડરના બૅટર્સ એક પછી એક ઇનિંગ્સમાં નિષ્ફળ જઈ રહ્યા છે. ભારત હવે સિડનીની છેલ્લી ટેસ્ટ જીતી લેશે તો હિસાબ 2-2થી બરાબરીમાં થઈ જશે, નહીં તો સિરીઝ પરાજય બદલ ટીમ ઇન્ડિયાની સાથે ગૌતમ ગંભીર પર પણ ટીકાનો વરસાદ વરસશે.

રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની લગભગ બહાર થઈ જ ગઈ છે. સિડનીની છેલ્લી ટેસ્ટમાં ભારત જીતશે અને સિરીઝ 2-2થી સમકક્ષ કરી લેશે તો પણ ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં નહીં મુકાય, કારણકે ઑસ્ટ્રેલિયાની ટીમ આ શ્રેણી બાદ શ્રીલંકામાં બે ટેસ્ટ રમવાની છે અને એમાં જીતીને ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં જઈ શકશે.

કોઈને લાગતું હશે કે બીસીસીઆઇના ટોચના હોદ્દેદારો શાંત બેસીને બધો તમાશો જોઈ રહ્યા છે. જોકે એવું નથી. તેઓ વર્તમાન સ્થિતિ પર બારીકાઈથી નજર રાખે છે અને ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો આવનારા મહિનાઓમાં ગૌતમ ગંભીરનું પત્તું કપાઈ શકે.

દરમ્યાન પીટીઆઇના અહેવાલો પરથી જાણવા મળે છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના મોટા ભાગના ખેલાડી સાથે એકમત નથી સાધી શક્યો. ખેલાડીઓ સાથે ગંભીરની ચર્ચા રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડના સમયમાં હતી એવી સારી નથી હોતી.

જાણવા મળ્યું છે કે આક્રમક સ્વભાવના અને શિસ્તપાલનના આગ્રહી ગૌતમ ગંભીર ટીમના એવા ખેલાડીઓનો વિશ્વાસ હાંસલ નથી કરી શક્યો જેઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પીઢ વર્ગના નથી અને હર્ષિત રાણા તથા નીતીશ કુમાર રેડ્ડી જેટલા નવા પણ નથી.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે વર્તમાન સિરીઝમાં એક મૅચ બાકી છે અને પછી આવતા મહિને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. જો ટીમ ઇન્ડિયાનો દેખાવ નહીં સુધરે તો ગૌતમ ગંભીરનો હોદ્દો સુરક્ષિત નહીં કહેવાય. આ બાબતને લીધે ભારતીય ક્રિકેટમાં સનસનાટી મચી ગઈ છે.

વાત અહીં પૂરી નથી થઈ ગઈ. અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટી સાથે ગૌતમ ગંભીરનું સમીકરણ સ્પષ્ટ નથી. બીસીસીઆઇના અધિકારીએ પીટીઆઇને એવું પણ કહ્યું છે કે ગૌતમ ગંભીર ક્યારેય પણ હેડ-કોચના હોદ્દા માટે પ્રથમ પસંદગી નહોતો. વીવીએસ લક્ષ્મણ ફર્સ્ટ-ચૉઇસ હતો, પરંતુ જાણીતી ભૂતપૂર્વ વિદેશી ખેલાડીઓએ ત્રણેય ફૉર્મેટમાં કોચ બનવાનો ઇનકાર કરી દીધો હોવાથી ગૌતમ ગંભીરના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો : .. તો સિડનીમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારશે, જાણો કારણ?

ફેબ્રુઆરીની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મજબૂત લીગ-ગ્રૂપમાં સમાવેશ છે. એમાં ભારતનો પ્રથમ મુકાબલો બાંગ્લાદેશ સામે અને બીજો મુકાબલો (23મી ફેબ્રુઆરીએ) પાકિસ્તાન સામે થવાનો છે. ભારતના ગ્રૂપમાં ન્યૂ ઝીલૅન્ડ પણ છે. ભારત જો પાકિસ્તાન સામે હારી જશે તે બીસીસીઆઇ દ્વારામોટું ઑપરેશન’ જ કરવામાં આવશે. ગંભીરે એ અરસામાં ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાની જવાબદારી સંભાળી જ્યારે રોહિતના સુકાનમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતી હતી. જોકે હવે રોહિતના સુકાનમાં ટેસ્ટ ટીમ એક-એક જીત માટે સંઘર્ષ કરી રહી છે.

Back to top button