ગૌતમ ગંભીરને કેમ ક્રિષ્ણમાચારી શ્રીકાંત પર ખૂબ ગુસ્સો આવ્યો?
સ્પોર્ટસ

ગૌતમ ગંભીરને કેમ ક્રિષ્ણમાચારી શ્રીકાંત પર ખૂબ ગુસ્સો આવ્યો?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ સિલેક્ટર ક્રિષ્ણમાચારી શ્રીકાંત (K. SRIKKANT) પર ગુસ્સે થયો છે અને એનું કારણ એ છે કે શ્રીકાંતે તાજેતરમાં એક ફાસ્ટ બોલરને ગંભીરના ફેવરિટ ખેલાડી તરીકે ઓળખાવીને કટાક્ષ કર્યા હતા.

ગંભીરના મતે સૌથી પહેલી વાત એ છે કે 23 વર્ષના ઊભરતા બોલરને નિશાન (Target) બનાવવામાં આવી રહ્યો છે એ જ સૌથી ખોટું થયું છે.

વાત એવી છે કે 1983ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ફાઇનલમાં સૌથી વધુ 38 રન કરનાર વર્લ્ડ ચૅમ્પિયન ઓપનર કે. શ્રીકાંતે તાજેતરમાં પોતાની યુટ્યૂબ ચૅનલ પર હર્ષિત રાણાને ઑસ્ટ્રેલિયાની ટૂર પર લઈ જવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમનું એવું કહેવું હતું કે માત્ર ગંભીરનો ફેવરિટ ખેલાડી હોવાના કારણસર જ હર્ષિત રાણા ટીમમાં છે.

શ્રીકાંતે શું કમેન્ટ કરી હતી

શ્રીકાંતના નિવેદનોનો વીડિયો વાઇરલ થયો હતો. ગંભીરે મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી ટેસ્ટ બાદ પત્રકાર પરિષદમાં શ્રીકાંતની કમેન્ટનો કડક ભાષામાં જવાબ આપ્યો હતો. શ્રીકાંતે ચૅનલ પર કહ્યું હતું કે ` તમે સારું રમનાર ખેલાડીઓને સિલેક્ટ નથી કરતા, પણ એવા ખેલાડીને ટીમમાં સમાવો છો જે સારું પર્ફોર્મ નથી કરી રહ્યો. એનું સૌથી મોટું ઉદાહરણ છે, હર્ષિત રાણા જે ગૌતમ ગંભીરનો જી-હજુરિયો છે એટલે ટીમમાં છે.’

ગંભીરે શ્રીકાંતની ટિપ્પણી પર શું કહ્યું?

ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ ત્રણ વન-ડે રમશે અને એ માટેની ટીમમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના ઉપરાંત 23 વર્ષનો હર્ષિત રાણા ચોથો રેગ્યુલર પેસ બોલર છે. પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ રેડ્ડી પણ ટીમમાં છે. ગંભીરે શ્રીકાંત વિશે ટકોર કરતા કહ્યું, ` શરમજનક વાત એ છે કે તમે તમારી યુટ્યૂબ ચૅનલ ચલાવવા માટે 23 વર્ષના ખેલાડીને લક્ષ્યાંક બનાવી રહ્યા છો.

હર્ષિતના પિતા કોઈ ભૂતપૂર્વ ચૅરમૅન, ભૂતપૂર્વ ક્રિકેટર કે એનઆરઆઇ નથી. આ 23 વર્ષીય બોલર પોતાની યોગ્યતાને આધારે અત્યાર સુધી રમ્યો છે અને આગળ જતાં પણ એવું જ કરશે. તમે જો સોશ્યલ મીડિયા પર 23 વર્ષના ખેલાડી વિશે આવી વાતો કરો તો એ ખેલાડીના મન પર શું અસર પડે?’

તમારો દીકરો જો…

પત્રકાર પરિષદમાં ગૌતમ ખૂબ ગંભીર મુદ્રામાં હતો. તેણે શ્રીકાંતને નિશાન બનાવતાં એવું પણ કહ્યું કે ` તમારો દીકરો જો ક્રિકેટ રમવા લાગે અને કલ્પના કરો કે તેની સાથે દુર્વ્યવહાર થાય તો તમને કેવું લાગે? એ 23 વર્ષનો છોકરો છે, 33 વર્ષનો નથી. મારા વિશે અજુગતું બોલો તો ચાલી જાય, હું એ ટિપ્પણી સહન કરી લઉં, પરંતુ 23 વર્ષના છોકરા સાથે આવું બોલવું અસ્વીકાર્ય છે.’

આ પણ વાંચો…બીજી ટેસ્ટમાં નીતીશ રેડ્ડીને બોલિંગ કેમ ન આપી?: આકાશ ચોપડાનો અણિયાળો સવાલ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button