સ્પોર્ટસ

અશ્વિન-જાડેજાના અનુગામી કોણ બની શકે? અક્ષર પટેલ, માનવ સુથાર કે પછી વૉશિંગ્ટન સુંદર?

ચેન્નઈ: ટીમ ઇન્ડિયાને બહુ ઓછા ઑલરાઉન્ડર મળ્યા છે અને એમાં પણ કોઈ સ્પિનર જો ઑલરાઉન્ડરની શાનદાર ભૂમિકા ભજવે તો સોનામાં સુગંધ ભળે. ચેન્નઈમાં રમાતી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને એકસાથે બે સ્પિન-ઑલરાઉન્ડરનો લાભ મળી રહ્યો છે. રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટના બે સ્પિન-સમ્રાટ તો છે જ, કાબેલ ઑલરાઉન્ડર પણ છે. બાંગ્લાદેશ સામે પહેલા દાવમાં બન્ને વચ્ચે સાતમી વિકેટ માટે 199 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ જે મૅચ-વિનિંગ પણ બની શકે. અશ્ર્વિન અને જાડેજા જે રીતે ટીમ ઇન્ડિયાને શરમજનક સ્થિતિમાંથી ઉગારીને સન્માનજનક સ્થિતિમાં લાવ્યા એ જોતાં ઘણાને વિચાર આવતો હશે કે આ જુગલ જોડીની નિવૃત્તિ પછી તેમનું સ્થાન કોણ લેશે?

35 વર્ષનો જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને 38 વર્ષીય અશ્વિનને એક વર્ષથી વન-ડે કે ટી-20માં નથી રમવા મળ્યું. બન્નેની ટેસ્ટમાંથી નિવૃત્તિ નજીકમાં છે એવું તો ન કહી શકાય, પરંતુ વારાફરતી રિટાયરમેન્ટ લેશે તો તેમના સ્થાને ટીમમાં સ્પિન-ઑલરાઉન્ડર તરીકે ફિટ થઈ શકે એવી સંભાવનાઓમાં સૌથી પહેલું નામ અક્ષર પટેલનું લેવું જોઈએ. જાડેજાની જેમ આ ગુજરાતી બંદો પણ લેફ્ટ-આર્મ સ્પિનર છે અને બૅટિંગમાં પણ કાબેલિયત બતાવી ચૂક્યો છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશનો 149 રનમાં વીંટો વળી ગયો, ભારતે ફૉલો-ઑન ન આપી…

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકના મતે ‘અશ્ર્વિન અને જાડેજા નિવૃત્તિ લેશે ત્યારે તેમની ગેરહાજરી ખૂબ વર્તાશે અને આશા રાખીએ કે એ સમય જલદી ન આવે.’ જોકે પીટીઆઇના અહેવાલ મુજબ કોચમાંથી કૉમેન્ટેટર બનેલા એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના મતે ‘અશ્વિન અને જાડેજા બોલર તરીકે તો કાબિલેદાદ છે જ, બૅટિંગમાં પણ તેમણે ઘણી વાર કમાલ દેખાડી છે. જોકે ટીમ ઇન્ડિયાએ હવે તેમના જેવા કાબેલ ઑલરાઉન્ડર બની શકે એવા એક-બે ખેલાડી તૈયાર કરવાના છે. અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરમાં એવી ક્ષમતા દેખાય છે, પરંતુ તેમણે ત્રણેય ફૉર્મેટમાં કાયમી સ્થાન મેળવવું હોય તો અશ્વિન-જાડેજાની જેમ અસરદાર બનવું પડશે. અશ્ર્વિન જેવો વિકેટ-ટેકિંગ ઑફ-સ્પિનર હમણાં તો દેખાતો નથી. હા, અક્ષર પટેલ બોલર્સને વધુ અનુકૂળ પડે એવી પિચો પર વધુ અસરદાર સાબિત થઈ શકે. જોકે તેણે (અક્ષરે) જેમ જાડેજા હરીફ બૅટર્સ પર ધાક જમાવી દેતો હોય છે એવી છાપ પાડવી જ પડશે. માનવ સુથાર મૅચમાં રોમાંચ જગાડી શકે એવો સ્પિનર અને નીચલી હરોળનો ઉપયોગી બૅટર છે અને તે ટીમ ઇન્ડિયાને સારો વિકલ્પ પૂરો પાડી શકે.’

આ ભૂતપૂર્વ ખેલાડીના મતે વૉશિંગ્ટન સુંદર પણ સારો સ્પિન-ઑલરાઉન્ડર બની શકે એમ છે, પરંતુ પહેલાં તો તેણે ત્રણેય ફૉર્મેટમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કરવાનું કૌશલ્ય તેણે કેળવવું પડશે.’

રાજસ્થાન બે વાર (2011માં અને 2012માં) રણજી ચૅમ્પિયન બન્યું હતું અને એ ટીમના ખેલાડી વિનિત સક્સેનાના મતે ‘માનવ સુથાર હજી બાવીસ વર્ષનો જ છે અને તે વધુ ડોમેસ્ટિક મૅચો રમશે એમ વધુ અનુભવ મળવાને લીધે વધુ મૅચ્યોર થતો જશે.’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત