બાંગ્લાદેશનો 149 રનમાં વીંટો વળી ગયો, ભારતે ફૉલો-ઑન ન આપી…
બુમરાહનો વિકેટોનો ચોક્કો: જાડેજા, આકાશ, સિરાજની બે-બે વિકેટ
ચેન્નઈ: ભારતે અહીં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશને પહેલા દાવમાં ફક્ત 149 રનમાં ઑલઆઉટ કરીને ટીમ ઇન્ડિયા ઘરઆંગણે બૅટિંગ પછી બોલિંગમાં પણ કેટલી અસરદાર છે એ બતાવી આપ્યું હતું. ભારતના પ્રથમ દાવમાં 376 રન હતા એટલે ભારતે 227 રનની તોતિંગ સરસાઈ લીધી હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશને ફૉલો-ઑન આપી શકી હોત, પરંતુ ફૉલો-ઑન આપવાનું ટાળીને ફરી બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો કે જેથી પ્રવાસી ટીમને 500-પ્લસ જેટલો મોટો લક્ષ્યાંક આપીને આસાનીથી જીતી શકાય.
આ પણ વાંચો : જાડેજા સાથે બાંગ્લાદેશનો બોલર મહમૂદ જાણી જોઈને ટકરાયો હતો કે શું?
જસપ્રીત બુમરાહ (11-1-50-4) શુક્રવારનો હીરો હતો. બે-બે વિકેટ બીજા પેસ બોલરો આકાશ દીપ તથા મોહમ્મદ સિરાજે અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ લીધી હતી.
બાંગ્લાદેશની ટીમનો એક પણ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો. શાકિબ-અલ-હસનના 32 રન ટીમમાં હાઈએસ્ટ હતા.
એ પહેલાં, ભારતે પહેલા દાવની બીજા દિવસની રમત 339/6ના સ્કોર સાથે શરૂ કરી હતી, પરંતુ જાડેજાએ આગલા દિવસના 86 રનના પોતાના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. તે પાંચમી ટેસ્ટ-સદીથી માત્ર 14 રન માટે વંચિત રહ્યો હતો.
ગુરુવારના સુપર હીરો રવિચન્દ્રન અશ્ર્વિને 102 રનની અધૂરી રહેલી યાદગાર ઇનિંગ્સમાં બીજા 11 રન ઉમેર્યા હતા અને 113 રનના પોતાના વ્યક્તિગત સ્કોર પર તાસ્કિન અહમદના બૉલમાં મિડ-ઑફ પર કૅપ્ટન નજમુલ શૅન્ટોને કૅચ આપી બેઠો હતો.
બાંગ્લાદેશ વતી હસન મહમૂદે 83 રનમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે તાસ્કિને પંચાવન રનમાં ત્રણ બૅટરને આઉટ કર્યા હતા.
હજી આ મૅચમાં પૂરા ત્રણ દિવસ બાકી હોવાથી મૅચનું પરિણામ (વરસાદ કે ખરાબ વાતાવરણના વિઘ્નો ન નડે તો) નક્કી છે.