French Open 2024 Final:ફ્રેન્ચ ઓપનમાં સ્વૉન્ટેકનું હૅટ-ટ્રિક ટાઈટલ

પૅરિસ: પૉલેન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઇગા સ્વૉન્ટેકે ગઈ કાલે પૅરિસમાં સતત ત્રીજું અને પાંચ વર્ષમાં ચોથું ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં ઇટલીની જાસ્મિન પાઓલિનીને 6-2, 6-1થી હરાવી દીધી હતી. તે આ પહેલાં 2022માં અને 2023માં પણ આ ટ્રોફી જીતી હતી.
પૅરિસમાં હૅટ-ટ્રિક નોંધાવનાર તે જસ્ટિન હેનિન પછીની પ્રથમ ખેલાડી છે. 2022માં સ્વૉન્ટેક યુએસ ઓપન જીતી હતી.શનિવારની ફાઇનલમાં સ્વૉન્ટેક શરૂઆતમાં જાસ્મિનથી થોડી પાછળ હતી, પરંતુ તરત જ તેણે કમબૅક કરીને પછીની 12માંથી 11 ગેમ જીતી લીધી હતી જેને પગલે ટ્રોફી તેના હાથમાં આવી ગઈ હતી. આ મૅચ 68 મિનિટ સુધી ચાલી હતી.સ્વૉન્ટેકે વિજેતાપદ મેળવ્યા પછી કહ્યું, ‘મને આ સ્થળ બેહદ પ્રિય છે.
અહીં રમવા માટે દર વર્ષે હું કાગડોળે રાહ જોતી હોઉં છું.’23 વર્ષની સ્વૉન્ટેક ટેનિસના ઓપન યુગમાં ચાર વખત ફ્રેન્ચ ઓપન જીતનારી સૌથી યુવાન મહિલા ખેલાડી છે.સ્વૉન્ટેક સામે ફાઇનલમાં હારનાર જાસ્મિને સેમિ ફાઇનલમાં કઝાખસ્તાનની ફૉર્થ-સીડેડ રબાકિનાને 6-2, 4-6, 6-4થી હરાવી હતી.પુરુષોમાં રવિવારે સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝ અને ઍલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચે ફાઇનલ રમાશે.