French Open : Djokovic જૉકોવિચ પૅરિસમાં પરેશાન…કડવો નિર્ણય છેવટે લેવો પડ્યો: નંબર-વન રૅન્ક પણ ગુમાવશે

પૅરિસ: વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જૉકોવિચે ફ્રેન્ચ ઓપન દરમ્યાન ઘણા સમય સુધી જમણા ઘૂંટણની ઈજાથી પરેશાન રહ્યા બાદ છેવટે આ ટૂર્નામેન્ટમાંથી નીકળી જવાનો આકરો નિર્ણય મંગળવારે લઈ લેવો પડ્યો હતો.
તેણે ક્વૉર્ટર ફાઇનલ પહેલાં આ નિર્ણય લઈને અસંખ્ય ચાહકોને ચોંકાવી દીધા હતા. વિક્રમજનક 24 ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા 37 વર્ષના જૉકોવિચે આ મુકાબલામાં નોર્વેના કૅસ્પર રુડ સામે રમવાનું હતું. જોકે સ્પર્ધામાંથી નીકળી જવાને કારણે પચીસમું મોટું ટાઇટલ અહીં પૅરિસમાં જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું.
ફ્રેન્ચ ઓપનમાંથી નીકળી જવાને કારણે જૉકોવિચ હવે નંબર-વનની રૅન્ક પણ ગુમાવશે. નવા ક્રમાંકોમાં તે મોખરાના સ્થાને નહીં હોય.
હવે તેની જગ્યાએ ઇટલીનો યાનિક સિન્નર નંબર-વનની રૅન્ક મેળવશે. યાનિકે ક્વૉર્ટરમાં ગ્રિગૉર દિમિત્રોવને 6-2, 6-4, 7-3થી હરાવીને સેમિમાં એન્ટ્રી કરી હતી.
જૉકોવિચ હવે વિમ્બલ્ડનમાં રમી શકશે કે કેમ એમાં શંકા છે. તે સાત વાર આ સર્વોચ્ચ ટેનિસ સ્પર્ધાનું ટાઇટલ જીત્યો છે.
27મી જુલાઈએ પૅરિસમાં ઑલિમ્પિક્સ પણ શરૂ થશે એટલે જૉકોવિચે એ પહેલાં ફિટનેસ મેળવી લેવી પડશે. તે ક્યારેય ઑલિમ્પિક ગોલ્ડ નથી જીત્યો અને તેણે આ વર્ષમાં પૅરિસમાં ગોલ્ડ જીતવાની ઇચ્છા ઘણા મહિનાઓ પહેલાં જ વ્યક્ત કરી હતી.
દરમ્યાન, ફ્રેન્ચ ઓપનમાં મહિલાઓની નંબર-વન ઇગા સ્વૉન્ટેક સેમિ ફાઇનલમાં અમેરિકાની થર્ડ-સીડેડ કૉકો ગૉફ સામે રમશે. કૉકોએ ક્વૉર્ટરમાં ટ્યૂનિશિયાની ઑન્સ જૅબ્યૉરને 4-6, 6-2, 6-3થી હરાવી દીધી હતી.
સ્વૉન્ટેકે ક્વૉર્ટરમાં ચેક રિપબ્લિકની માર્કેટા વૉન્દ્રોઉસોવાને 6-0, 6-2થી હરાવીને સેમિમાં પ્રવેશ કર્યો હતો.