ઑસ્ટ્રેલિયન ક્રિકેટરે ઇંગ્લૅન્ડ પહોંચાડતા જહાજ પર રનિંગ સહિતનું વર્કઆઉટ કર્યું હતું!
85 વર્ષના ફ્રૅન્ક મિશનનું અવસાન: ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર ફિટનેસ વિશે ખૂબ જાગૃત હતા
સિડની: 2008ની સાલ પછી આઇપીએલ સહિતની ટી-20 લીગ ટૂર્નામેન્ટો રમાવાની શરૂ થઈ ત્યાર બાદ મોટા ભાગના ક્રિકેટર્સ આખું વર્ષ વ્યસ્ત રહેતા હોય છે અને એમાં તેમણે ફિટનેસ જાળવવા પર ખાસ ધ્યાન આપવું પડે છે. વિરાટ કોહલીની ફિટનેસ હાલના ક્રિકેટજગતમાં સર્વશ્રેષ્ઠ મનાય છે. બુધવારે એવા એક ક્રિકેટરે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી જેઓ (64 વર્ષ પહેલાં પોતાની કરીઅર દરમ્યાન) પોતાની ફિટનેસ બાબતમાં ખૂબ જ સતર્ક અને જાગૃત હતા. અહીં આપણે ઑસ્ટ્રેલિયાના ફ્રૅન્ક મિશન નામના પેસ બોલિંગ ઑલરાઉન્ડરની વાત કરવા જઈ રહ્યા છીએ. ફિટનેસ-સૅવી ફ્રૅન્ક મિશનનો વર્કઆઉટને લગતો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે.
આ પણ વાંચો : 26 વર્ષમાં પહેલી વાર એક પણ બૉલ ફેંકાયા વગર ટેસ્ટ રદ કરવી પડી
ફ્રૅન્ક મિશન 85 વર્ષના હતા. તેઓ 1960-’61 દરમ્યાન પાંચ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેણે 16 વિકેટ લીધી હતી તેમ જ કુલ 38 રન બનાવ્યા હતા. પગની ઈજાને કારણે તેમની કરીઅર ટૂંકી થઈ ગઈ હતી.
ફ્રૅન્ક મિશનની ગણના ક્રિકેટર્સની ફિઝિકલ ફિટનેસની બાબતમાં પ્રણેતા તરીકે થાય છે.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઇયાન ચૅપલે એક પુસ્તકમાં લખ્યું છે, ‘ફ્રૅન્ક મિશન ઍથ્લીટ જેવા હતા. તેમણે ઑસ્ટ્રેલિયાના ઑલિમ્પિક ચૅમ્પિયન કોચ પાસે તાલીમ લીધી હતી. 1961માં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઍશિઝ સિરીઝ રમવા જહાજમાં ઇંગ્લૅન્ડ જઈ રહ્યા હતા ત્યારે પણ ફ્રૅન્ક મિશન વર્કઆઉટ કરવાનું ચૂક્યા નહોતા. તેઓ જહાજની ડેક પર દોડતા હતા ત્યારે નજીકના બિયર બારમાં બેઠેલા ખેલાડીઓએ તેમને બારીમાંથી વર્કઆઉટ કરતા જોયા હતા. આ ખેલાડીઓએ ત્યાં પહોંચીને મિશનના દોડવાની જગ્યામાં કેટલીક ખુરસીઓ રાખી દીધી હતી. જોકે મિશન ત્યારે વિઘ્ન-દોડની માફક થોડી ખુરસી પરથી કૂદીને દોડવા લાગ્યા હતા અને બીજી ખુરસીઓ પરથી પણ કૂદ્યા કે તરત જ ખેલાડીઓએ હાર સ્વીકારીને બધી ખુરસી હટાવી લીધી હતી અને તેમને દોડવા માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. જો ફ્રૅન્ક મિશનને એ અરસામાં ઈજા ન નડી હોત તો તેઓ ઑસ્ટ્રેલિયા વતી ઘણી ટેસ્ટ મૅચો રમ્યા હોત.’
આ પણ વાંચો : શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ, જાણો ક્યાં અને શેમાં…
ફ્રૅન્ક મિશનના પુત્ર ડેવિડ મિશન 57 વર્ષના છે. ડેવિડ મિશન 1998થી 2000ની સાલ સુધી ઑસ્ટ્રેલિયન ટીમના ફિટનેસ ઍડવાઇઝર હતા. ત્યારે ઑસ્ટ્રેલિયન ટીમમાં કૅપ્ટન માર્ક ટેલર તેમ જ માઇકલ સ્લેટર, સ્ટીવ વૉ, માર્ક વૉ, જસ્ટિન લૅન્ગર, ડૅરેન લીમન, ઇયાન હિલી, શેન વૉર્ન, સ્ટુઅર્ટ મૅક્ગિલ, ગ્લેન મૅકગ્રા વગેરે ખ્યાતનામ ખેલાડીઓનો સમાવેશ હતો.