સ્પોર્ટસ

ચાર ખેલાડી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના પ્લાનમાં નથી કે શું?: ગિલ ભાવિ કૅપ્ટન?

નવી દિલ્હી: ઘણા દિવસોના ઇન્તેજાર પછી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરને શ્રીલંકા ખાતેના તેના પ્રથમ પ્રવાસ માટેની બે ટીમ મળી છે જેમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનું સુકાન સોંપવાની સાથે ગંભીરને પોતાની પસંદગીના ઘણા ખેલાડીઓ પણ મળ્યા છે.

જોકે કેટલાક પ્લેયર્સ એવા છે જેમને ટી-20 કે વન-ડે બેમાંથી એક ટીમમાં સ્થાન મળશે જ એવી અપેક્ષા ઘણા ક્રિકેટપ્રેમીઓએ રાખી હશે, પરંતુ એવું નથી થયું. બીજું, કે. એલ. રાહુલને વન-ડે ટીમમાં વૈકલ્પિક વિકેટકીપર તરીકે જગ્યા તો મળી છે, પણ રિષભ પંત સતતપણે એ શ્રેણીમાં રમશે તો રાહુલનો ચાન્સ નહીં લાગે, કારણકે 15 ખેલાડીઓની એ જ ટીમમાં બૅટર્સ ઘણા છે એટલે રાહુલને બૅટર તરીકે કદાચ ન પણ રમવા મળે.

આ વર્ષની આઇપીએલમાં બૅટથી ધમાલ મચાવનાર અભિષેક શર્માએ તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં શ્રેણીની બીજી ટી-20માં ફક્ત 46 બૉલમાં આઠ સિક્સર, સાત ફોરની મદદથી 100 રન બનાવીને ભારતને વિજયના માર્ગ પર મૂકી દીધું હતું અને સિરીઝમાં 174.64ના બેસ્ટ સ્ટ્રાઇક-રેટ સાથે તે રમ્યો હતો, પરંતુ તેને શ્રીલંકા સામેની ટી-20 સિરીઝની ટીમમાં જગ્યા નથી મળી.

એ ટીમમાં સૂર્યકુમાર, શુભમન ગિલ, યશસ્વી, રિન્કુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સૅમસન, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા બૅટર્સ હોવાથી અભિષેક માટે કોઈ સ્થાન નહોતું એ માની શકાય, પણ પિંચ-હિટર તરીકેની તેની જે પ્રતિભા છે એ જોતાં તેની બાદબાકીએ થોડું આશ્ર્ચર્ય તો ફેલાવ્યું જ છે.

હજી થોડા જ સમય પહેલાં રવીન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયાનો એકમાત્ર ઑલરાઉન્ડર અને બેસ્ટ ફીલ્ડર હતો, પરંતુ તેને શ્રીલંકા સામેની વન-ડે ટીમમાં જગ્યા નથી મળી. ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા જાડેજાને બદલે સિલેક્ટર્સે વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને પસંદ કર્યા છે. જાડેજાએ હવે ટેસ્ટ-ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

પેસ બોલર મુકેશ કુમારે ઝિમ્બાબ્વે સામેની તાજેતરની ટી-20 શ્રેણીમાં હાઈએસ્ટ આઠ વિકેટ લીધી હતી, પરંતુ તેને શ્રીલંકાના પ્રવાસની બહાર રખાતાં તેના ઉત્સાહને જરૂર બ્રેક લાગી હશે અને તે નિરાશ થયો જ હશે. શ્રીલંકા-ટૂર માટેની ટી-20 ટીમના પેસ બોલર્સમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ તેમ જ શિવમ દુબ અને હાર્દિક પંડ્યા સામેલ છે. વન-ડે ટીમમાં પેસ બોલર હર્ષિત રાણાને જગ્યા મળી છે, પણ મુકેશ કુમારની ગણતરી નથી કરાઈ.

હાર્દિક પંડ્યાએ પોતે જ અંગત કારણસર શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાંથી પોતાને બાકાત રાખવાની સિલેક્ટર્સને વિનંતી કરી હતી. જોકે ટી-20 ટીમમાં તેનો સમાવેશ થયો છે, પરંતુ તેને એ ટીમની કૅપ્ટન્સી તો નથી જ મળી, વાઇસ-કૅપ્ટનનો દરજ્જો પણ નથી અપાયો.

તેના બદલે શુભમન ગિલને સૂર્યકુમારનો ડેપ્યૂટી બનાવાયો છે. વાસ્તવમાં ગિલને વન-ડે ટીમમાં પણ કૅપ્ટન રોહિત શર્માનો સહાયક કપ્તાન બનાવાતાં એવી ચર્ચા થઈ રહી છે કે શુભમન ગિલમાં ગંભીરને તથા સિલેક્ટર્સને (ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં 4-1થી જીતેલી સિરીઝને આધારે) ભવિષ્યના કૅપ્ટન તરીકેના ગુણો જોવા મળ્યા હોય એવું લાગે છે અને એટલે જ તેને બન્ને ટીમમાં વાઇસ-કૅપ્ટન બનાવાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button