સ્પોર્ટસ

મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…

ક્વાલાલમ્પુરઃ મલયેશિયા (MALAYSIA) માસ્ટર્સ બૅડમિન્ટન (BADMINTON) ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બુધવારે ભારતીયોનો મિશ્ર દેખાવ રહ્યો હતો જેમાં પુરુષ ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા, પરંતુ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

પુરુષોની બૅડમિન્ટનના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન કિદામ્બી શ્રીકાંતે (KIDAMBI SRIKKANT) ફર્સ્ટ રાઉન્ડમાં ચીનના લુ ગુઆન્ગ ઝુને 57 મિનિટમાં 23-21, 13-21, 21-11થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. એ પહેલાં એચ. એસ. પ્રણોયે (HS PRANNOY) જાપાનના કેન્તા નિશીમોતોને પ્રથમ ગેમની હાર બાદ 19-21, 21-17, 21-16થી હરાવી દીધો હતો.
ભારતના જ સતીશ કરુણાકરને અપસેટ સર્જ્યો હતો. તેણે ત્રીજા ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેનને માત્ર 39 મિનિટમાં 21-13, 21-14થી હરાવી દીધો હતો. કરુણાકરન બીજા રાઉન્ડમાં ફ્રાન્સના ક્રિસ્ટો પૉપોવ સામે રમશે.

આ પણ વાંચો: બૅડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ચીની હરીફોને ધૂળ ચટાડી…

ચોથો ભારતીય આયુષ શેટ્ટી પણ પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. તેણે કૅનેડાના બ્રાયન યૉન્ગને 20-22, 21-10, 21-8થી પરાજિત કરીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.

જોકે પી. વી. સિંધુએ ભારતને નિરાશ કર્યું હતું. તેનું ખરાબ ફૉર્મ ચાલુ જ રહ્યું છે. તે વિયેટનામની ઍન્ગુયેન થુય લિન સામે 11-21, 21-14, 15-21થી હારી ગઈ હતી.

મિક્સ્ડ-ડબલ્સમાં ભારતનાં ધ્રુવ કપિલા તથા તનિશા ક્રાસ્ટોની જોડી પણ જીતી હતી. તેમણે ઇન્ડોનેશિયાનાં અદનાન મૌલાના અને ઇન્દાહ કાહ્યા સારી જમીલની જોડીને 21-18, 15-21, 21-14થી પરાજિત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button