સ્પોર્ટસ

બે અનોખા રેકૉર્ડ કરનાર ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડરનું નિધન…

લાહોર: 1964થી 1967 દરમ્યાન પાકિસ્તાન વતી ફક્ત ચાર ટેસ્ટ રમીને બે અનોખા વિક્રમ પોતાના નામે કરનાર ભૂતપૂર્વ ઑલરાઉન્ડર બિલી ઇબાદુલ્લા (ખાલિદ ઇબાદુલ્લા)નું 88 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

ઇબાદુલ્લા ટેસ્ટના ડેબ્યૂમાં જ સેન્ચુરી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની બૅટર હતા. તેમની અને અબ્દુલ કાદિર (જાણીતા સ્પિનર અબ્દુલ કાદિર નહીં) વચ્ચે 249 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જે રેકૉર્ડ ટેસ્ટ-ક્રિકેટમાં હજી પણ અકબંધ છે.

ઓપનર ઇબાદુલ્લા અને વિકેટકીપર-ઓપનર અબ્દુલ કાદિરની કરીઅરની એ પહેલી જ ટેસ્ટ હતી અને એમાં તેમની વચ્ચે 249 રનની જે ભાગીદારી થઈ એ કોઇ પણ વિકેટ માટેની (ડેબ્યૂ કરનાર) બે નવા ખેલાડી વચ્ચેની ભાગીદારીઓમાં હાઈએસ્ટ છે. ફેબ્રુઆરીમાં ડેબ્યૂ ટેસ્ટ રમનાર વેસ્ટ ઇન્ડિઝના ઍન્ક્રૂમા બૉનર અને કાઇલ માયર્સ વચ્ચેની 216 રનની ભાગીદારી આ યાદીમાં બીજા સ્થાને છે.

ઇબાદુલ્લા અને કાદિર વચ્ચેની 249 રનની ભાગીદારી 1964માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં થઈ હતી. એમાં ઇબાદુલ્લાએ 166 રન અને કાદિરે 95 રન બનાવ્યા હતા. કાદિરનું 2022માં અવસાન થયું હતું. 1964ની ટેસ્ટમાં હનીફ મોહમ્મદ પાકિસ્તાનના અને બૉબી સિમ્પસન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન હતા. એ ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button