મુંબઈના ભૂતપૂર્વ ગુજરાતી રણજી ખેલાડી જિતેન્દ્ર ભુતાનું નિધન

મુંબઈઃ 1968થી 1973 દરમ્યાન ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તથા રેલવે વતી રમનાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જિતેન્દ્ર ભુતા (jitendra bhuta)નું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. કપોળ જ્ઞાતિના ભુતા મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં અજિત વાડેકરની કૅપ્ટન્સીમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયન્સ સ્કૂલ્સ ટૂરમાં સુરિન્દર અમરનાથ અને તેમના ભાઈ મોહિન્દર અમરનાથ સાથે ઇંગ્લૅન્ડ ગયા હતા અને તેમની સાથે રમ્યા હતા.
જિતેન્દ્ર ભુતા કાબેલ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર (Fast bowler) હતા અને તેમણે આઠ પ્રથમ કક્ષાની મૅચમાં કુલ 16 વિકેટ લીધી હતી. 33 રનમાં પાંચ વિકેટ તેમનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો. ઊંચા કદના ભુતા તેમના સમયમાં દમદાર, અસરદાર બોલિંગ માટે મુંબઈ ક્રિકેટમાં ખૂબ ફેમસ હતા, પરંતુ ટીમમાં અન્ય બોલર્સ સાથેની હરીફાઈને કારણે તેમને ઓછું રમવા મળ્યું હતું. પરિણામે, ભુતાની અસાધારણ ટૅલન્ટને પૂરતો ન્યાય નહોતો મળ્યો.

ટીમમાં હરીફાઈને કારણે તેમને ઘણી મૅચોમાં રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા. જો એવું ન થયું હોત તો તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં વધુ મૅચો રમી શક્યા હોત જેને પગલે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક પણ મળી હોત. પછીથી તેઓ પરિવારના ટેક્સટાઇલના બિઝનેસમાં જોડાઈ ગયા હતા. શુક્રવારે વિલે પાર્લેની સ્મશાનભૂમિમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાણીતા સ્કોરર અને ક્રિકેટ નિષ્ણાત તથા કટાર લેખક યશવંત ચાડે મુંબઈ સમાચાર'ને જણાવ્યું હતું કે
જિતેન્દ્ર ભુતા દાદર યુનિયન ક્લબ વતી સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર, વી. એસ. પાટીલ, માધવ મંત્રી, વાસુ પરાંજપે વગેરે ખ્યાતનામ ખેલાડીઓ સાથે રમ્યા હતા. દાદર યુનિયનની ટીમમાં તેઓ ઉર્મિકાંત મોદી તથા પાટીલ સરની માફક ટીમના આધારસ્તંભ હતા. જિતેન્દ્ર ભુતા હાઈ આર્મ ઍક્શન માટે જાણીતા હતા તેમ જ કોઈ પણ પિચમાંથી સારા બાઉન્સ મેળવવામાં કાબેલ હતા તેમ જ ઇનસ્વિંગ તથા યૉર્કર માટે જાણીતા હતા. એક તબક્કે માટુંગા ગુજરાતી સેવા મંડળ સ્પોર્ટ્સ ક્લબ વતી રમવાની ઑફર મળતાં તેઓ તરત તૈયાર થઈ ગયા હતા અને પોતાની ઝંઝાવાતી બોલિંગ વિશે તેઓ એટલો બધો આત્મવિશ્વાસ ધરાવતા હતા કે કોઈ પણ પ્રકારની ફીલ્ડિંગની ગોઠવણને તેઓ હસતા મોઢે સ્વીકારી લેતા હતા. તેમનામાં ગજબની ખેલદિલ ભાવના પણ હતી.’