ભૂતપૂર્વ ક્રિકેટર પ્રશાંત વૈદ્યની ચેક બાઉન્સિંગના કેસમાં ધરપકડ
નાગપુર: ચેક બાઉન્સિંગના કેસમાં નાગપુર પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર પ્રશાંત વૈદ્ય સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વૉરન્ટનો અમલ કરી તેની ધરપકડ કરી હતી.
1990માં વૈદ્ય ભારત વતી ચાર વન ડે ઈન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ધરપકડ પછી તેને સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે શ્યૉરિટી બૉન્ડ પર તેને છોડ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક વેપારી પાસેથી વૈદ્યએ સ્ટીલ કથિત રીતે ખરીદ્યું હતું અને સામે વેપારીને ચેક આપ્યો હતોે, જે પછીથી બાઉન્સ થયો હતો. બાદમાં વેપારીએ નવેસરથી પેમેન્ટની માગણી કરી હતી, એવું બજાજ નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિઠ્ઠલસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ક્રિકેટરે રૂપિયા ચૂકવવામાં આનાકાની કરતાં વેપારી કોર્ટમાં ગયો હતો. આ પ્રકરણની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેનારા ક્રિકેટર સામે કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યા હતા.
વૈદ્ય હાલમાં વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશનની ક્રિકેટ ડેવલપમેન્ટ કમિટીનો પ્રમુખ છે. (પીટીઆઈ)