ભૂતપૂર્વ ચેમ્પિયન સૌરાષ્ટ્ર ૧૧૦ રનમાં ઓલઆઉટ: ત્રિપુરાનો ૧૪૮ રનથી ભવ્ય વિજય
વિજય હજારે ટ્રોફી
અલૂર: અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાની હાજરી છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રને સોમવારે અહીં વિજય હજારે ટ્રોફીની ગ્રૂપ-એ મેચમાં ત્રિપુરા સામે ૧૪૮ રનના વિશાળ માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રિપુરાએ જયદીપ દેવની કેપ્ટનશિપ હેઠળ ગણેશ સતીશ (૭૪ બોલમાં ૭૧ રન), સુદીપ ચેટર્જી (૯૩ બોલમાં ૬૧ રન) અને બિક્રમ કુમાર દાસ (૭૬ બોલમાં ૫૯ રન)ની અડધી સદી બાદ આઠ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. જેના જવાબમાં ગત ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ ફક્ત ૧૧૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર માટે અનુભવી ડાબોડી બોલર જયદેવ ઉનડકટે ૩૫ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી પરંતુ ટીમને તેનો કોઈ ફાયદો મળ્યો નહોતો.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રને શરૂઆતમાં ઝડપી બોલર મૂરા સિંહ અને રાણા સિંહે બે મોટા ઝટકા આપ્યા હતા. હાર્વિક દેસાઈ, શેલ્ડન જેક્સન અને ચિરાગ જાની માત્ર ૧૩ રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. પૂજારા (૨૪) અને અર્પિત વસાવડા (૧૬)એ ચોથી વિકેટ માટે ૩૭ રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. બિક્રમ દેબનાથે પૂજારાને આઉટ કરી ભાગીદારીને તોડી હતી જેના પછી ટીમ તરત ઓલઆઉટ થઇ ગઇ હતી.
ગ્રૂપની બીજી મેચમાં મુંબઈએ જય બિસ્તા (૧૪૪)ની સદીની ઇનિંગ્સના આધારે પાંચ વિકેટે ૩૨૪ રન કર્યા બાદ રેલવેને નવ વિકેટે ૨૯૮ રનમાં રોકીને ૨૬ રનથી જીત મેળવી હતી. રેલવે માટે ઉપેન્દ્ર યાદવે ૧૦૨ અને વિવેક સિંહે ૯૫ રનની ઇનિંગ રમી હતી. ગ્રૂપ-ઇની મેચમાં તમિલનાડુના ફાસ્ટ બોલર સંદીપ વોરિયરની ઘાતક બોલિંગ સામે બંગાળની ટીમ માત્ર ૮૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વોરિયરે ૨૩ રન આપીને બંગાળના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો હતો. ટીમે ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જ ગ્રૂપની બીજી મેચમાં મધ્ય પ્રદેશે અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને મનદીપ સિંહ જેવા બેટ્સમેનોની બનેલી પંજાબની ટીમને ૧૯ ઓવરમાં માત્ર ૮૯ રનમાં આઉટ કરીને ૮૮ રનથી જીત મેળવી હતી. આ પહેલા મધ્ય પ્રદેશે અક્ષત રઘુવંશી (૬૨) અને રજત પાટીદાર (૩૧)ના યોગદાનથી ૨૬.૫ ઓવરમાં ૧૭૭ રન કર્યા હતા. ગ્રુપ બીની મેચમાં વિદર્ભે મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવ્યું હતું.