ભારતની ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્વિમરના 120 ગોલ્ડ સહિત કુલ 150 મેડલ ચોરાઈ ગયા | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

ભારતની ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્વિમરના 120 ગોલ્ડ સહિત કુલ 150 મેડલ ચોરાઈ ગયા

કોલકાતાઃ ભારતની એક સમયની ટોચની મહિલા સ્વિમર બુલા ચૌધરીના ઘરમાંથી શુક્રવારે 120 ગોલ્ડ મેડલ તેમ જ પદ્મશ્રી પુરસ્કારની ચોરી થઈ હતી. તેનું હૂગલી (Hooghly)માં ઘર છે. તેના ઘરમાંથી તેના ચંદ્રકોની ચોરી થઈ હોય એવો આ બીજો બનાવ છે. અત્યાર સુધીમાં તેના કુલ મળીને 150 મેડલ ચોરાઈ ગયા છે. બુલા (Bula Chaudhary) ઘેરા આઘાતનો શિકાર થઈ છે.

ભારતની ભૂતપૂર્વ નૅશનલ ચૅમ્પિયન સ્વિમર બુલા ચૌધરીનું દક્ષિણ કોલકાતામાં પણ ઘર છે. હૂગલી જિલ્લા ખાતેના તેના ઘરના પાડોશીએ જાણકારી આપી હતી કે તેના ઘરના એક દરવાજાનું તાળું (lock) તૂટ્યું છે. ફોન પરની આ આઘાતજનક જાણકારી મેળવતાં જ બુલા અને તેના પરિવારજનો હૂગલી આવી પહોંચ્યા હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી.

આપણ વાંચો: ‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…

બુલા ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે ` મેં 120 ગોલ્ડ મેડલ સહિત કુલ 150 ચંદ્રક ગુમાવ્યા છે. આ તમામ ચંદ્રકો હું મારી કરીઅર દરમ્યાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હરીફાઈઓમાં જીતી હતી. જે મેડલ ચોરાઈ ગયા છે એમાંના 10 ગોલ્ડ મેડલ હું સાફ રમતોત્સવ (દક્ષિણ એશિયાના દેશો વચ્ચેની હરીફાઈઓ)માં જીતી હતી.

હું અર્જુન અવૉર્ડ પણ જીતી હતી અને તેન્ઝિંગ નોર્ગે નૅશનલ ઍડવેન્ચર સ્પોર્ટસ અવૉર્ડ પણ મેં હાંસલ કર્યો હતો. આ બન્ને પુરસ્કાર પણ મેં ઘરમાં રાખ્યા હતા, પણ એ હજી ત્યાં જ છે. એ નથી ચોરાયા. હું ઘેરા આઘાતમાં છું. સત્તાવાળાઓ જો મારા ચંદ્રકોને રક્ષણ ન આપી શકતા હોય તો પછી એ ચંદ્રકો જીતવાનો શું મતલબ.’

આપણ વાંચો: મુંદરા પોર્ટ પર ડીઝલની દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કર્યું

બુલા ચૌધરીના ઘરમાં આ પહેલાં માર્ચ 2015માં ચંદ્રકોની ચોરી થઈ હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસે તેના ઘરની બહાર ચોકી પહેરો ગોઠવ્યો હતો, પરંતુ 2021માં કોવિડની મહામારી દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા રક્ષકોને પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. બુલાએ કહ્યું હતું કે ` હું અને મારા પરિવારજનો દર બે-ત્રણ મહિને હૂગલીના ઘરે આવતા હોઈએ છીએ. પોલીસ તપાસ કરી રહી છે.’

બુલા ચૌધરી 2006ની સાલમાં માર્ક્સવાદી પક્ષ વતી નંદનપુર મતદારક્ષેત્રમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 2011ની સાલ સુધી તેણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button