સ્પોર્ટસ

છેલ્લી 21 ટેસ્ટમાં પહેલીવાર કોઈ વિદેશી ટીમે કરી આ કમાલ, પહેલા જ દાવમાં ઈન્ડિયાની લીડને પાર કરી

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં, મુલાકાતી ટીમ તેની બીજી ઈનિંગમાં પણ 200 રનનો સ્કોર પાર કરવામાં સફળ રહી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં એવી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી જે છેલ્લી 21 ટેસ્ટ મેચોમાં બીજી કોઈ ટીમ કરી શકી ન હતી.

આ મેચમાં ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 246 રનના સ્કોર પર જ સિમિત થઈ ગયું હતું, ત્યારબાદ ભારતીય ટીમનો કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો નહોતો પરંતુ તેમ છતાં ટીમે ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ 436 રન ફટકારી દીધા હતા.

ભારતીની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવું એ છેલ્લા દાયકામાં કોઈપણ ટીમ માટે સૌથી મુશ્કેલ કામ રહ્યું છે, જેમાં મોટાભાગની મેચ 3 થી 4 દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હૈદરાબાદ ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ઇનિંગમાં 246 રનના સ્કોર સુધી સીમિત હતી, ત્યારે આ મેચમાં પણ બધુ ઝડપથી સમાપ્ત થવાની આશા હતી.

જો કે, બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી વધુ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં ટીમ 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી અને પ્રથમ દાવમાં ભારતીય ટીમની લીડને પણ ખતમ કરી દીધી હતી. આ સાથે, ભારતમાં 21 ટેસ્ટ મેચો પછી, ઇંગ્લેન્ડ બંને ઇનિંગ્સમાં 200 થી વધુ રન બનાવનારી પ્રથમ મુલાકાતી ટીમ બની છે.

જો ઈંગ્લેન્ડની ટીમની બીજી ઈનિંગની વાત કરીએ તો તેના બે સૌથી અનુભવી ખેલાડી જો રૂટ અને કેપ્ટન બેન સ્ટોક્સ આ ઈનિંગમાં કઈ ખાસ કમાલ ન કરી શક્યા. સ્ટોક્સ માત્ર 6 રન બનાવી શક્યો હતો જ્યારે રૂટ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, ઓલી પોપ ચોક્કસપણે આ ઈનિંગમાં બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા જેમાં તેના બેટથી શાનદાર સદી જોવા મળી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ આ મેચમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button