ફૂટબોલરે પોતાને યલો કાર્ડ બતાવવા રેફરીને ફરજ પાડીઃ કારણ જાણશો તો ચોંકી જશો…

સાઓ પાઉલો (બ્રાઝિલ): કોઈ ફૂટબોલર મેદાન પર મૅચ દરમ્યાન ફૂટબૉલને લગતા નિયમનો ભંગ કરે તો રેફરી તેને (ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને) યલો અથવા રેડ કાર્ડ બતાવે છે. જોકે બ્રાઝિલના એક ફૂટબોલરે કંઈક એવું કર્યું જે અગાઉ ક્યારેય નથી જોવા કે સાંભળવા મળ્યું. બ્રુનો હેન્રિક (Bruno Henrique) નામના ફૂટબોલ ખેલાડીએ એક મૅચમાં ઇરાદાપૂર્વક પોતાને યલો કાર્ડ (yellow card) આપવાની રેફરીને આડકતરી રીતે ફરજ પાડી હતી.
આ ઘટના 2023ની સાલની છે જેમાં બ્રુનો સામે એવો આક્ષેપ થયો હતો કે તેણે જાણી જોઈને પોતાને યલો કાર્ડ મળે એ માટે મૅચ દરમ્યાન અફેન્સ કર્યો હતો કે જેથી તેના પરિવારના સભ્યોને બેટિંગ (સટ્ટા)ની વેબસાઇટ પર એ કાર્ડને આધારે સટ્ટો (Betting) રમવામાં જંગી નફો થઈ શકે.
બ્રુનોનો બે વર્ષથી કેસ ચાલી રહ્યો છે જેમાં બ્રાઝિલની ફ્લામેન્ગો ક્લબે (FLAMENGO CLUB) બ્રુનોની તરફેણ કરી છે એટલે મામલો ફરી ચગ્યો છે. આ ક્લબની ટીમના કોચ ફિલિપ લુઇસે ગુરુવારે જણાવ્યું હતું કે બ્રાઝિલ વતી બે આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા 34 વર્ષના બ્રુનોને આ કિસ્સામાં નિર્દોષ ગણવો જોઈએ. તેને આક્ષેપો સામે પોતાને રક્ષણ આપવાનો પૂરો અધિકાર છે જે તેને મળવો જ જોઈએ.
ઉલ્લેખનીય છે કે બ્રાઝિલની ફ્લામેન્ગો ક્લબને બ્રુનોએ બે કૉપા ટાઇટલ અપાવવામાં મદદ કરી છે. હાલમાં ફ્લામૅન્ગો ક્લબ બ્રાઝિલની લીગમાં પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે. બ્રાઝિલની પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ પોલીસે બ્રુનો સામેના અખબારી અહેવાલો કે મીડિયામાંના આક્ષેપોને ક્યારેય સમર્થન નથી આપ્યું.
અખબારી અહેવાલોમાં એક કથિત સંદેશ વિશે જણાવાયું હતું. એ મોબાઇલ પરનો એ મૅસેજ બ્રુનોએ પરિવારના મેમ્બર્સને કર્યો હતો જેમાં બ્રુનોએ તેમને એવું જણાવ્યું હતું કે સૅન્ટોસ ક્લબ સામેની મૅચમાં તેને રેફરી યલો કાર્ડ બતાવશે. એ જ મૅચમાં બ્રુનોને રેફરીએ એક અફેન્સ બદલ યલો કાર્ડ બતાડ્યું હતું. એ જ મૅચ દરમ્યાન બ્રુનોને કાર્ડ બતાવાશે એ સંબંધમાં મોટી સંખ્યામાં બેટ લગાવવામાં આવી હતી જેમાંની મોટા ભાગના પન્ટરો બ્રુનોના શહેર બેલૉ હૉરિઝોન્ટેના જ હતા જેઓ બ્રુનોના યલો કાર્ડના સંબંધમાં સટ્ટો રમ્યા હતા.
આપણ વાંચો : Football: 489 દિવસ બાદ ભારતીય ટીમની જીત; ગોલ કર્યા બાદ સુનિલ છેત્રી ભાવુક થઇ ગયો, જુઓ વીડિયો