અમેરિકામાં ક્રિકેટ વર્લ્ડ કપની બે મૅચ બાદ શરૂ થશે ફૂટબૉલની આ વિશ્ર્વવિખ્યાત સ્પર્ધા
ઍટલાન્ટા: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં જુલાઈ-ઑગસ્ટમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાય એ પહેલાં યુરોપ અને અમેરિકામાં વિવિધ રમતોની મોટી સ્પર્ધાઓના આયોજન થઈ રહ્યા છે. એક તરફ જર્મનીમાં યુઇફા યુરો-2024 (UEFA Euro) નામની યુરોપિયન દેશો વચ્ચેની ફૂટબૉલ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ અમેરિકામાં ક્રિકેટના ટી-20 વર્લ્ડ કપના સફળ આયોજનની માત્ર બે મૅચ રમાવાની બાકી છે ત્યારે હવે આ દેશમાં કૉપા અમેરિકા-2024 (Copa America) નામની મોટી ફૂટબૉલ સ્પર્ધાનો 20મી જૂનથી આરંભ થઈ રહ્યો છે.
યુએસએમાં ક્રિકેટ વર્લ્ડ કપની બાકીની બે મૅચ શનિવારે (ફ્લોરિડામાં ભારત-કૅનેડા વચ્ચે) અને રવિવારે (પાકિસ્તાન-આયરલૅન્ડ વચ્ચે) રમાશે.
યુરો ફૂટબૉલમાં 24 દેશની ટીમ ભાગ લઈ રહી છે અને એમની મૅચો જર્મનીના 10 શહેરમાં રમાશે.
આ પણ વાંચો : T20 World Cup:South Africa v/s Bangladesh:ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય….આવું કોણે કેમ કહ્યું?
યુરો-2020માં ઇટલી ચૅમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં ઇટલીએ ઇંગ્લૅન્ડને 1-1ના ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને બીજી વાર ટાઇટલ જીતી લીધું હતું.
યુરો-2020 સૉકર સ્પર્ધા કોરોના મહામારી વચ્ચે યોજાઈ હતી અને એની મૅચો અઝરબૈજાન અને ડેન્માર્કથી માંડીને સ્પેન તથા રશિયા સુધીના કુલ 11 દેશમાં રમાઈ હતી.
કૉપા અમેરિકા સ્પર્ધા 14મી જુલાઈ સુધી રમાશે. આ સ્પર્ધામાં 16 દેશ ભાગ લઈ રહ્યા છે.
આ પહેલાં 2021માં બ્રાઝિલમાં યોજાયેલી કૉપા અમેરિકા સ્પર્ધા આર્જેન્ટિનાએ લિયોનેલ મેસીના સુકાનમાં જીતી લીધી હતી. આર્જેન્ટિનાનું કૉપા અમેરિકાનું એ 15મું ટાઇટલ હતું. ફાઇનલમાં આર્જેન્ટિનાએ યજમાન બ્રાઝિલને 1-0થી હરાવી દીધું હતું. એ મૅચનો ગોલ્ડન ગોલ આર્જેન્ટિનાના ડિ મારિયાએ કર્યો હતો.