સ્પોર્ટસ

ભારતના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કૅરિબિયન ક્રિકેટરના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ

કિંગસ્ટન: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આવી છે ત્યારથી ક્રિકેટરો માટે કમાણીના વિકલ્પ વધી ગયા છે. થોડા-થોડા વર્ષે નવી ટી-20 લીગ ટૂર્નામેન્ટ શરૂ થઈ એટલે આંતરરાષ્ટ્રીય મૅચો રમતા તેમ જ કરીઅર પૂરી કરી ચૂકેલા ખેલાડીઓ માટે વિકલ્પો વધતા ગયા. ફ્રૅન્ચાઇઝીઓ પ્લેયર્સને લાખો ને કરોડો રૂપિયા આપવા માંડી, પણ કહેવાય છેને કે ‘લાલચ બૂરી બલા હૈ.’

કોઈ ખેલાડી હજારોમાં કમાતો હોય તો તેને લાખોની લાલચ થાય અને લાખોમાં કમાતો હોય તેને કરોડોની લાલચ થાય. એનો કોઈ અંત નથી હોતો. અસંતોષ અને લાલચને લીધે જ ક્રિકેટમાં પણ કરપ્શન (ફિક્સિગં) થવા લાગ્યા છે. અગાઉ આ ગેરરીતિની જાળમાં ઘણા ખેલાડીઓ સપડાઈ ચૂક્યા છે અને કારકિર્દીને મુસીબતમાં મૂકી ચૂક્યા છે.
વેસ્ટ ઇન્ડિઝના 34 વર્ષની ઉંમરના વિકેટકીપર-બૅટર ડેવૉન થોમસનો કિસ્સો લેટેસ્ટ છે. આઇસીસીએ તેના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

થોમસે શ્રીલંકા ક્રિકેટ અને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડની લીગ ટૂર્નામેન્ટનો તેમ જ કૅરિબિયન પ્રીમિયર લીગની કરપ્શન-વિરોધી આચારસંહિતાનો સાત રીતે ભંગ કર્યો હોવાની કબૂલાત કરી છે.
સૌથી પહેલાં મે, 2023માં થોમસને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: રમન સુબ્બારાવ: ક્રિકેટર, અકાઉન્ટન્ટ, બિઝનેસમૅન, વહીવટકાર ને મૅચ-રેફરી

થોમસે ખાસ કરીને 2021ની લંકા પ્રીમિયર લીગમાં એક મૅચ ફિક્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે અન્ય કેટલીક મૅચો ફિક્સ કરાવવામાં સંમતિ પણ બતાવી હતી.
અબુ ધાબીની ટી-20 સ્પર્ધામાં તેને મૅચો ફિક્સ કરવાની લાલચ અપાઈ હતી જેની જાણકારી તેણે સંબંધિત અધિકારીઓને નહોતી કરી એ ગુનો પણ તેના નામે લખાયો હતો.
કૅરિબિયન બૅટર થોમસ એક ટેસ્ટ, 21 વન-ડે અને 12 ટી-20 રમ્યો છે.

ખાસ કરીને તે 2011માં ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપમાં રમ્યો હતો. માર્ચ, 2011માં ચેન્નઈમાં ભારત સામેની મૅચમાં તેણે માત્ર બે રન બનાવ્યા હતા, પણ એ પહેલાં તેણે રવિ રામપૉલના બૉલમાં સચિન તેન્ડુલકર (બે રન)નો કૅચ પકડ્યો હતો તેમ જ દેવેન્દ્ર બિશુના બૉલમાં એમએસ ધોની (22)ને સ્ટમ્પ-આઉટ કર્યો હતો. ભારત એ મૅચ 80 રનથી જીતી ગયું હતું.

થોમસે ભારત સામેની બે ટી-20 મૅચમાં હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયરનો સ્ટમ્પ્સની પાછળથી બે-બે વાર શિકાર કર્યો હતો.
આઇસીસીના જનરલ મૅનેજર ઍલેક્સ માર્શલે કહ્યું છે, ‘ડેવૉન થોમસ પરના પાંચ વર્ષના પ્રતિબંધથી ખેલાડીઓને અને ક્રિકેટને ભ્રષ્ટ કરનારાઓને સ્પષ્ટ અને સખત ચેતવણી છે કે જો કોઈ આવી ગેરરીતિ કરે કે એમાં કોઈ પણ રીતે સહભાગી બને તો તેની સામે કડક હાથે કામ લેવામાં આવે છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…