પહેલી વાર શ્રીનગરના દલ લેકમાં યોજાશે ખેલો ઇન્ડિયા

સુરેશ એસ ડુગ્ગર
જમ્મુઃ કાશ્મીરમાં શ્રીનગરના જગવિખ્યાત દલ લેકમાં 21થી 23મી ઑગસ્ટ (ગુરુવારથી શનિવાર) સુધી યોજાનારા ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, 2025ના ઉદ્ઘાટન સાથે જ આ સુંદર સરોવર ઍથ્લેટિક્સ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એક્તાના મંચમાં ફેરવાઈ જશે. યુવા બાબતો તથા ખેલકૂદ મંત્રાલય અને ભારતીય ખેલના સત્તાધીશોના સહયોગથી જમ્મુ-કાશ્મીર ખેલ પરિષદના ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવ પાછળનો ઉદ્દેશ જળ-આધારિત સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવાનો, કાશ્મીરની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરવાનો અને ખેલના માધ્યમથી યુવા વર્ગને પ્રેરિત કરવાનો છે.
દલ લેકમાં પહેલી જ વાર ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. કાશ્મીરના સુંદર અને અદ્ભુત દલ લેકમાં પહેલી જ વાર રાષ્ટ્રીય રમતો યોજવામાં આવી રહી છે જેમાં 36 રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના 400થી વધુ ઍથ્લીટો-ખેલાડીઓ વૉટર સ્કીઇંગ, ડ્રેગન બોટ રેસ તથા અન્ય મનોરંજક પ્રદર્શન અને કાર્યક્રમો યોજાશે. આ સ્પર્ધામાં ખાસ કરીને પ્રતિસ્પર્ધીઓ રોવિંગ, કૅનોઇંગ અને કાયાકિંગની હરીફાઈઓમાં ભાગ લેવા દલ લેક ખાતે ઊમટી પડશે.
આ રમતોત્સવના આયોજન પાછળ 2.37 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને એ જોવા માટે અસંખ્ય લોકો આવશે એવી ધારણા છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ ક્નવેન્શન સેન્ટર આયોજન સંબંધિત કેન્દ્ર બનશે. દલ લેક આ ત્રણ દિવસ દરમ્યાન રેસિંગ લેન, તરતા મંચ અને ઝગમગાટ મારતા સાંસ્કૃતિક સ્થાનોમાં પરિવર્તિત થશે.
દલ લેકમાં જે મંચ બનાવવામાં આવશે એમાં કાશ્મીરી શિલ્પ, આદિવાસી સાંસ્કૃતિક પ્રદર્શન તથા પેપરમાશી કલા ઉપરાંત ડોગરી, ગુજજર બકરવાલ, પહાડી અને કાશ્મીર પંડિત સમુદાયોના પારંપારિક લોક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. રાતના સમયે બુલિવર્ડ, શિકારા ઘાટ અને હાઉસબોટ પરની સજાવટ તથા રોશનીને કારણે દલ લેક અને એની આસપાસનો માહોલ ઝગમગી ઉઠશે અને ત્રણ દિવસના કાર્યક્રમમાં સેલિબ્રિટી પ્રદર્શન, જિમ્નૅસ્ટિકના દાવપેચ અને સંગીત સમારોહ આકર્ષણના કેન્દ્ર બનશે.