આ ભારતીય મહિલા ક્રિકેટર તો પુરુષ ખેલાડીઓથી પણ એક ડગલું આગળ વધી, બે બ્રિટિશ ખેલાડી સાથે ટકરાઈ

સાઉધમ્પ્ટનઃ મૅચ દરમ્યાન જો કોઈ ખેલાડી હરીફ પ્લેયર સાથે જાણી જોઈને ટકરાય કે તેની સાથે કે અમ્પાયર સાથે ગેરવર્તન કરે તો આઇસીસી (ICC)ની આચારસંહિતા મુજબ એ ખેલાડીને દંડ કરવામાં આવે છે અને તેના નામે એક ડીમેરિટ (DEMERIT) પૉઇન્ટ પણ લખવામાં આવે છે.
આવી જ એક હરકત ભારતની મહિલા ખેલાડી પ્રતિકા રાવલે (PRATIKA RAWAL) કરી એટલે તેની 10 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી છે. સ્લો ઓવર-રેટ (OVER RATE) બદલ આઇસીસીએ ઇંગ્લૅન્ડની મહિલા ટીમને મૅચ ફીનાં પાંચ ટકાનો દંડ પણ કર્યો છે.
આપણ વાંચો: હરમનપ્રીત સેના બની ચેઝ-માસ્ટર: ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓએ પુરુષોને શરમાવ્યા
સામાન્ય રીતે પુરુષ ખેલાડીએ મેદાન પર હરીફ પ્લેયર સાથે ખભો ટકરાવ્યો હોય કે તેને ધક્કો માર્યો હોય એવા ઘણા કિસ્સા બની ગયા છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ટૂરમાં વિરાટ કોહલીએ બૉક્સિંગ-ડે ટેસ્ટના પહેલા દિવસે યુવાન બૅટ્સમૅન સૅમ કૉન્સ્ટૅસ સાથે ખભો ટકરાવ્યો એને પગલે મૅચ રેફરીએ વિરાટની 20 ટકા મૅચ ફી કાપી લીધી હતી.
તાજેતરમાં લૉર્ડ્સની ટેસ્ટના ચોથા દિવસે મોહમ્મદ સિરાજે બ્રિટિશ બૅટ્સમૅન બેન ડકેટને આક્રમક અંદાજમાં સેન્ડ-ઑફ આપ્યું એવું કહીને તેમ જ સિરાજે તેની સાથે ખભો ટકરાવ્યો એ બદલ સિરાજની દંડ તરીકે 15 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી.
મહિલા ક્રિકેટમાં બુધવારે બન્યું એવું કે ભારતને ઇંગ્લૅન્ડ સામેની વન-ડે જિતાડવામાં ઓપનર તરીકે 36 રનનું યોગદાન આપનાર ઓપનિંગ બૅટર પ્રતિકા રાવલ ભારતીય ઇનિંગ્સની 18મી ઓવરમાં સિંગલ દોડતી વખતે બોલર લૉરેન ફિલર સાથે અથડાઈ હતી.
આપણ વાંચો: ભારતીય મહિલા ટીમે પચીસ બૉલમાં નવ વિકેટ લીધી, નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો
પ્રતિકાએ પછીની ઓવરમાં બોલર સૉફી એકલ્સ્ટન સાથે પણ એવું વર્તન કર્યું હોવાનું જણાતાં મૅચ રેફરી સારા બાર્લેટે પ્રતિકાને 10 ટકા મૅચ ફીનો દંડ કર્યો હતો.
પ્રતિકાની વિકેટ 19મી ઓવરમાં એકલ્સ્ટને લીધી હતી. પ્રતિકા તેના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ હતી અને ડ્રેસિંગ રૂમ તરફ પાછા જતી વખતે પ્રતિકા તેની સાથે ટકરાઈ એવું જણાતાં તેને દંડ કરાયો હતો. 24 મહિનાના સમયગાળામાં પ્રતિકાનું આ પહેલું જ અફેન્સ હતું અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ પણ લખવામાં આવ્યો છે.
દરમ્યાન ભારતની ઇનિંગ્સમાં નિર્ધારિત સમયમાં (છૂટછાટ માટે થોડો વધુ સમય અપાયા પછી પણ) બ્રિટિશ ટીમે એક ઓવર ઓછી બોલિંગ કરી એ બદલ તેમને પાંચ ટકા મૅચ ફીનો દંડ કરાયો હતો.
પ્રતિકાએ પોતાની કસૂર કબૂલી અને બ્રિટિશ ટીમની સુકાની નૅટ સિવર-બ્રન્ટે પણ પોતાની ટીમ વતી સ્લો ઓવર-રેટની ભૂલ કબૂલ કરી લીધી એટલે તેમના માટે અલગથી સુનાવણી નહોતી રાખવામાં આવી.
પ્રતિકાએ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના સાથે 48 રનની અને હર્લીન દેઓલ સાથે 46 રનની ભાગીદારી કરી હતી. ભારતે આ વન-ડે ચાર વિકેટે જીતીને સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. હવે બીજી વન-ડે શનિવાર, 19મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) લૉર્ડ્સમાં રમાશે.