Champions Leagueમાં રિયલ મૅડ્રિડ-ડોર્ટમન્ડ વચ્ચે નિર્ણાયક જંગ ફાઇનલ-મુકાબલાનો સમય જાણી લો
લંડન: યુરોપિયન ફૂટબૉલની ટોચની સ્પર્ધાઓમાંની એક ચૅમ્પિયન્સ લીગની ફાઇનલનો દિવસ લગોલગ આવી ગયો છે. રિયલ મૅડ્રિડ અને બોરુસિયા ડોર્ટમન્ડ વચ્ચેની આ ટક્કર લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં બ્રિટિશ ટાઇમ પ્રમાણે શનિવારે, પહેલી જૂને રાત્રે 8.00 વાગ્યે અને ભારતીય સમય મુજબ શનિવાર મધરાત પછી 12.30 વાગ્યે શરૂ થશે.
આ યુરોપિયન કપ 14 વખત જીતવાનો વિક્રમ રિયલ મૅડ્રિડના નામે છે અને આ વખતે પણ જીતશે તો એ રેકૉર્ડ વધીને 15 ટાઇટલનો થઈ જશે. મૅડ્રિડની ટીમ ત્રણ વાર રનર-અપ રહી ચૂકી છે. મૅડ્રિડ પછી બીજા સ્થાને એસી મિલાન છે જેના ખાતે સાત ટાઇટલ છે.
બીજી તરફ, ડોર્ટમન્ડ એક જ વખત આ ટાઇટલ જીત્યું છે અને હવે છેક 27 વર્ષે ફરી ચૅમ્પિયન બનવાનો એની ટીમને મોકો છે. 2013માં આ ટીમ રનર-અપ રહી હતી.
નૅઝો ફર્નાન્ડિઝ રિયલ મૅડ્રિડનો કૅપ્ટન છે અને ટીમના મુખ્ય ખેલાડીઓમાં જૂડ બેલિંગમ, વિનિસિયસ જુનિયર, રૉડ્રિગો, ટૉની ક્રૂઝ, લૂકા મૉડ્રિચ, વગેરેનો સમાવેશ છે.
બેલિંગમ ગયા વર્ષે ડોર્ટમન્ડમાંથી મૅડ્રિડની ટીમમાં આવી ગયો અને હવે શનિવારે તે તેની ભૂતપૂર્વ ટીમને હરાવવા કોઈ કસર નહીં છોડે.
મૅડ્રિડની ટીમ શનિવારે ટાઇટલ જીતવા માટે ફેવરિટ ગણાય છે.
ગયા વર્ષે ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ મૅન્ચેસ્ટર સિટીએ પહેલી જ વાર જીતી લીધું હતું. જોકે આ વખતે આ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં રિયલ મૅડ્રિડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગઈ હતી.
એમ્રે કૅન ડોર્ટમન્ડનો કૅપ્ટન છે અને ટીમના મુખ્ય ખેલાડીઓમાં ગ્રેગૉર કૉબેલ, ફુલક્રૂગ, હમેલ્સ, હૅલર, બ્રૅન્ડ્ટ, સૅબિટ્ઝર, માટ્સેન, વગેરે સામેલ છે.
શનિવારની ફાઇનલ બાદ મહિનામાં 2024-’25ની ચૅમ્પિયન્સ લીગનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ થશે.