જાણી લો, વિરાટ અને રોહિત હવે પાછા ક્યારે રમતા જોવા મળશે

વિશાખાપટનમ: વર્તમાન ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતીય ટીમનો ઉધ્ધાર નથી થવાનો, પણ કમનસીબી એ છે કે આ બે મહારથીઓ ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે એટલે કરોડો ક્રિકેટપ્રેમીઓને હવે આ બંને ખેલાડી ફરી ક્યારે રમતા જોવા મળે એ જાણવા ઉત્સુક હોય જ.

વાત એવી છે કે હજી ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પૂરી થઈ એટલે વિરાટભાઈ તો કદાચ પાછા લંડન તેના પરિવાર પાસે (ઇંગ્લૅન્ડના સેકન્ડ હોમમાં) પહોંચી જશે અને રોહિત શર્મા પણ પત્ની રીતિકા અને બંને બાળકો સાથે ફરી મોજ માણવા લાગશે. જોકે તેઓ બંને પાછા ક્યારે મેદાન પર ઊતરે એની તેમના અસંખ્ય ચાહકો રાહ જરુર જોશે.

વન-ડે ક્રિકેટના બે બેતાજ બાદશાહ વિરાટ (Virat) અને રોહિતે (Rohit) વર્ષ 2025નું મિશન પૂરું કરી લીધું છે. હવે તેઓ વર્ષ 2026ની શરૂઆતમાં ફરી આંતરરાષ્ટ્રીય મૅચમાં રમતા જોવા મળશે. તેઓ વિજય હઝારે ટ્રોફીમાં રમતા જોવા મળી શકે, પરંતુ ઇન્ટરનેશનલ મૅચ હવે તેમના માટે 2026ના આરંભમાં જ છે.
રોહિતે સાઉથ આફ્રિકા સામેની વન-ડે (ODI) સિરીઝની ત્રણ મૅચમાં કુલ 146 રન કર્યા જ્યારે વિરાટ કોહલીએ બે સદીની મદદથી કુલ 302 રન કર્યા અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતી લીધો.
ટીમ ઇન્ડિયા હવે મંગળવાર, 9મી ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે જ રમાનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જોકે વિરાટ અને રોહિત આવતા મહિને જ પાછા વન-ડે સિરીઝમાં રમતા જોવા મળશે.
2026ની 11મી જાન્યુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે શરૂ થનારી વન-ડે સિરીઝ સાથે ટીમ ઇન્ડિયાનું નવા વર્ષનું મિશન શરૂ થશે. એ દિવસે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે વડોદરામાં રમાવાની છે. એ ડે-નાઈટ મૅચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ત્રણ મૅચની એ શ્રેણી રમ્યા બાદ વિરાટ અને રોહિત ફરી ટીમ ઇન્ડિયાથી દૂર થઈ જશે અને પોતાની પારિવારિક જિંદગી માણવા લાગશે.
આપણ વાંચો: ગંભીરે આઈપીએલની ટીમના માલિકને કહેવડાવી દીધું, ‘ તમને મારા કામમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી’



