જૂનિયર હૉકી વર્લ્ડકપ: શ્રીજેશનો વિશ્વાસ – ‘વાસ્તવિક ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે’

બેંગલુરુઃ નવી ફોર્મેટમાં એફઆઇએચ જૂનિયર વર્લ્ડ કપ રમવો રોમાંચક રહેશે અને વાસ્તવિક ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે. જૂનિયર હૉકી વર્લ્ડ કપ આ વર્ષે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતમાં ચેન્નઈ અને મદુરાઈમાં રમાશે, એમ ભારતના કોચ પી.આર. શ્રીજેશે જણાવ્યું હતું.
પહેલી વાર 24 ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે, જ્યારે પહેલા 12 ટીમો હતી. 2001થી આ ટુર્નામેન્ટ 16 ટીમની ટુર્નામેન્ટ રહી છે. નવા ફોર્મેટમાં ટીમોને છ પુલ (એ થી એફ) માં વિભાજિત કરવામાં આવશે અને દરેક પુલમાં ચાર ટીમો હશે. છ ગ્રુપ વિજેતાઓ અને બે શ્રેષ્ઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ભારતને પાકિસ્તાન, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે પલુ-બીમાં સ્થાન મળ્યું છે.
શ્રીજેશે હૉકી ઈન્ડિયાના એક પ્રકાશનમાં કહ્યું હતું કે, “અમે દરેક મેચ માટે રણનીતિ બનાવીશું. અમે શક્ય તેટલા વધુ પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરીશું જેથી ક્વાર્ટર ફાઇનલમાં સારું સ્થાન મેળવી શકીએ.પ્રથમ વખત 24 ટીમો જૂનિયર હૉકી વર્લ્ડ કપમાં રમી રહી છે. અમે તે મુજબ રણનીતિ બનાવીને તૈયારી કરી રહ્યા છીએ. નવા ફોર્મેટમાં રમવું રસપ્રદ રહેશે.’
શ્રીજેશે કહ્યું હતું કે, ”પુલ બીમાં પાકિસ્તાન, ચિલી અને સ્વિટ્ઝર્લૅન્ડ તરફથી સારો પડકાર મળશે. પાકિસ્તાન સામેની મેચ રસપ્રદ રહેશે પરંતુ ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે.’ છેલ્લે 2023 જૂનિયર વર્લ્ડ કપમાં ભારત ચોથા સ્થાને રહ્યું હતું. ભારતે 2001માં હોબાર્ટમાં અને 2016માં લખનઉમાં ટાઇટલ જીત્યું હતું. જર્મનીએ સાત વખત ટાઇટલ જીત્યું છે અને તે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે.