ફિફાના પ્રમુખે મધ્યપૂર્વમાં ટ્રમ્પ સાથે જોડાઈને 211 દેશના અધિકારીઓને રાહ જોતા કરી દીધા!

ઍસૂનસિઑન (પારાગ્વે): વિશ્વમાં ફૂટબૉલની રમતનું સંચાલન કરતા ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ ઍસોસિયેશન (FIFA)ના પ્રમુખ જિઆની ઇન્ફેન્ટિનો ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસમાં જ (પાકિસ્તાનના પરાજય સાથે) શમી ગયેલા યુદ્ધના માહોલમાં મધ્ય પૂર્વના પ્રવાસમાં અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) સાથે જોડાયા એને લીધે તેમને (ઇન્ફેન્ટિનોને) ગુરુવારે ફિફાની પારાગ્વે ખાતેની વાર્ષિક સભામાં આવતા ખૂબ મોડું થયું હતું. પરિણામે, ફિફાની આ મીટિંગ માટે પારાગ્વેમાં ભેગા થયેલા 211 દેશના ફૂટબૉલ ફેડરેશનના અધિકારીઓએ રાહ જોવી પડી હતી અને મીટિંગની શરૂઆત વિલંબમાં મુકાઈ હતી.
ડૉનલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયા અને કતારની મુલાકાતે આવ્યા અને ઇન્ફેન્ટિનો (GIANNI INFANTINO) તેમની સાથે આ ટૂરમાં જોડાયા હતા.
ઇન્ફેન્ટિનો કતાર (QATAR)ના પ્રાઇવેટ જેટમાં આવવાના હતા. તેમની ફ્લાઇટ દોહાથી રવાના થઈ હતી અને નાઇજિરિયામાં થોડા સમયના રોકાણ બાદ પારાગ્વે પહોંચવાની હતી.
ફિફાના ચીફ ત્રણ કલાકથી પણ વધુ સમય મોડા પડ્યા હતા.
2026માં અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે અને એ વિશ્વ કપ પહેલાં ફિફાની આ છેલ્લી મોટી સભા હતી.
ઉલ્લેખનીય છે કે 2022નો ફિફા વર્લ્ડ કપ કતારમાં યોજાયો હતો અને 2034નો વિશ્વ કપ સાઉદી અરેબિયામાં યોજાવાનો છે.