આજે વરસાદને લીધે મૅચ ન રમાય તો ભારત જશે ફાઇનલમાં… જાણો કેવી રીતે…
જ્યોર્જટાઉન: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપમાં જે સેમિ ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) છે એ જો વરસાદને લીધે કે બીજા કોઈ અનિવાર્ય કારણસર ન રમાય તો (રિઝર્વ ડે ન હોવા બદલ) સુપર-એઇટ રાઉન્ડમાં ભારત પોતાના ગ્રૂપમાં નંબર-વન હોવાને કારણે સીધું ફાઇનલમાં જશે અને પોતાના ગ્રૂપનું બીજા નંબરનું ઇંગ્લૅન્ડ આઉટ થઈ જશે. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયો હતો. એ મૅચ સાઉથ આફ્રિકાએ નવ વિકેટે આસાનીથી જીતી લીધી હતી.
આજની રાતની સેમિ ફાઇનલ સંબંધમાં બીજો પણ એક નિયમ છે. ભારત-ઇંગ્લૅન્ડની સેમિ સંબંધમાં જરૂર પડે તો વધારાની 250 મિનિટનો વધારાનો સમય રખાયો છે. આ અઢીસો મિનિટ આજે જ રમત લંબાવીને રિઝલ્ટ લાવવા ઉપયોગમાં લઈ શકાશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે એક ખાસ નિયમ એ છે કે સેકન્ડ બૅટિંગ કરનારી ટીમની 10 ઓવર પૂરી થઈ હશે તો જ એને આધારે પરિણામ નક્કી કરી શકાશે. ફાઇનલ 29મી જૂને છે અને એ માટે રિઝર્વ ડે રખાયો છે.