હુમલો કરવા મારે ત્યાં તેં કેટલા ગુંડા મોકલ્યા હતા, બોલ?: ભારતીય પેસ બોલરને ભૂતપૂર્વ પત્નીનો સવાલ

કોલકાતા: ભારતીય પેસ બોલર મોહમ્મદ શમીએ ડિવૉર્સ (divorce) કેસમાં ભૂતપૂર્વ પત્ની હસીન જહાં (Hasin Jahan)ને તેમ જ પુત્રી આઈરાને દર મહિને કુલ મળીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવું એવો ચુકાદો તાજેતરમાં કોલકાતા હાઇકોર્ટે આપ્યો એના ગણતરીના દિવસો બાદ હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પરની એક પોસ્ટમાં સનસનાટીભર્યા આક્ષેપો શમી વિરુદ્ધ કર્યા છે.
હસીન જહાંએ એવો આક્ષેપ કર્યો છે કે શમી (Shami)એ છેલ્લા સાત વર્ષમાં ડિવૉર્સને લગતી કાનૂની લડાઈ દરમ્યાન તેને ઈજા પહોંચાડવા તેમ જ પરેશાન કરવા તેને ત્યાં ભાડૂતી ગુંડા મોકલ્યા હતા.
હસીન જહાંએ ભૂતપૂર્વ પતિ શમીને ચારિત્ર્યહીન પણ કહ્યો છે. હસીન જહાંએ તેને લાલચુ અને મેલી મુરાદવાળો પણ ગણાવ્યો છે. હસીન જહાંએ આક્ષેપમાં કહ્યું છે કે જે પૈસા પરિવાર માટે હતા એ પૈસા શમીએ અપરાધીઓ તેમ જ દેહવ્યવસાય કરતી સ્ત્રીઓ પાછળ ખર્ચ કર્યા હતા.
હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં શમીને ઉદ્દેશીને લખ્યું છે કે ‘ તેં મારી મારપીટ કરવા તેમ જ મને બદનામ કરવા મારે ત્યાં કેટલા ભાડૂતી ગુંડા મોકલ્યા હતા, બોલ? તને કંઈ મળ્યું? તારે જે પૈસા ફેમિલી માટે વાપરવાના હતા એ તેં બેઈમાન વ્યક્તિઓ અને દેહનો વેપાર કરતી સ્ત્રીઓ પાછળ ખર્ચ કરી નાખ્યા હતા. એ જ પૈસા તેં તારી દીકરીના શિક્ષણ અને સારા ભવિષ્ય માટે ખર્ચ કર્યા હોત તો આપણા પરિવારનું કલ્યાણ થયું હતું અને અત્યારે આપણી સ્થિતિ, આપણા સંબંધો ખૂબ સારા હોત. તું પાપથી બચી ગયો હોત અને આપણે સારી અને સન્માનપૂર્વકની લાઇફ જીવી રહ્યા હોત. ઊલટાનું તેં તારા જ પરિવારને વિખેરી નાખ્યો. તને પુરુષપ્રધાન સમાજનો ટેકો મળ્યો છે એટલે તું ખુશ રહે છે. જોકે કેટલાક સમાજવિરોધી તત્વો મને ખોટી સાબિત કરી રહ્યા છે.’
શમી અને હસીન જહાંનાં ચાર વર્ષના લગ્નજીવનનો 2018માં અંત આવી ગયો હતો. જોકે હસીન જહાંએ શમી વિરુદ્ધ આક્ષેપો શરૂ કરીને વળતર માટે કાનૂની લડાઈ શરૂ કરી હતી.
શમીએ તમામ આક્ષેપો નકાર્યા અને પોતે નિર્દોષ છે એવું કહ્યું છે જેને પગલે તેણે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે તેમ જ તેને આઇપીએલના કેટલાક કોન્ટ્રેક્ટ પણ મળ્યા છે.
શમી 34 વર્ષનો છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહા ગામમાં થયો હતો. તે ભારત વતી 200 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ 450-પ્લસ વિકેટ લીધી છે. આઈપીએલમાં તેણે 119 મૅચમાં 133 વિકેટ મેળવી છે. આઈપીએલમાં તે ગુજરાત ટાઇટન્સ સહિત કુલ પાંચ ટીમ વતી રમ્યો છે.
આ પણ વાંચો…ક્રિકેટર મોહમ્મદ શમીને હાઈકોર્ટનો આદેશ, પત્ની હસીન અને પુત્રીને ભરણ પોષણની રકમ વધારી…