સ્પેન બે વિક્રમ સાથે યુરોની ફાઇનલમાં, ત્રીજો રેકોર્ડ હાથવેંતમાં
ઍમ્બપ્પેના ફ્રાન્સનું સ્પેનિશ મિડફીલ્ડર્સ સામે કંઈ ન ચાલ્યું
મ્યૂનિક (જર્મની): યુઇફા યુરો ફૂટબૉલ સ્પર્ધામાં મંગળવારે સ્પેન સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-1થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું હતું. આ રસાકસીભર્યા મુકાબલામાં સ્પેનના નામે બે વિક્રમ લખાયા હતા. સ્પેન ત્રીજા રેકોર્ડથી એક જ ડગલું દૂર છે.
સ્પેન યુરોની એક ટૂર્નામેન્ટમાં છ મૅચ જીતનારો પહેલો દેશ બન્યો છે. સ્પેનનો 16 વર્ષ અને 362 દિવસની ઉંમરનો ખેલાડી લેમિન યમાલ (Lamine Yamal) આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ગોલ-સ્કોરર બની ગયો છે. તેણે સ્વિટઝરલૅન્ડના યોહાન વોનલાથેનનો 2004ની સાલનો રેકોર્ડ તોડ્યો હતો. યોહાન 2004ની યુરોમાં 18 વર્ષ અને 141 દિવસની ઉંમરે યુરોનો યંગેસ્ટ ગોલ-સ્કોરર બન્યો હતો.
સ્પેન હવે ફાઇનલ પણ જીતશે તો યુરોમાં ચાર વખત ચેમ્પિયન બનનાર પ્રથમ દેશ કહેવાશે.
છેલ્લી ચારમાંથી ત્રણ મોટી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર ફ્રાન્સ પાસે કેપ્ટન કિલીયાન ઍમ્બપ્પે સહિત ઘણા આક્રમક ખેલાડીઓ હોવા છતાં શા માટે આ ટીમ સેમિમાં સહેલાઈથી હારી ગઈ એ વિશે ખૂબ ચર્ચા થશે. ફ્રાન્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં કુલ માત્ર ત્રણ ગોલ કરીને સેમિ ફાઈનલ સુધી પહોંચી શકી હતી.
સ્પેનનો યમાલ ફાઇનલના આગલા દિવસે 17 વર્ષ પૂરા કરશે. જો તે ફાઇનલમાં પણ ગોલ કરશે તો તેના નામે વધુ એક વિક્રમ લખાશે.
કૉલો મુઆનીએ મૅચની આઠમી જ મિનિટમાં ગોલ કરીને ફ્રાન્સને 1-0થી સરસાઇ અપાવી હતી. જોકે ફ્રાન્સની ટીમ કે જેની સામે અગાઉની પાંચ મૅચમાં હરીફ ટીમ ફક્ત એક જ ગોલ કરી શકી હતી એની સામે સ્પેનના ખેલાડીઓએ ચાર જ મિનિટમાં ઉપરાઉપરી બે ગોલ કરીને 2-1થી સરસાઇ લઈ લીધી હતી.
21મી મિનિટમાં યમાલે અને 25મી મિનિટમાં ડાની ઓલમોએ ગોલ કર્યો હતો.
યમાલે 21મી મિનિટમાં 29 વર્ષની ઉંમરના ફ્રેન્ચ ખેલાડી એડ્રીયન રેબીઓટનો પડકાર ઝીલીને ગોલ કરી દેખાડ્યો હતો.
સ્પેનિશ પ્લેયર્સ યમાલ અને ડાનીના ગોલ બાદ આખી મૅચમાં ફ્રાન્સની ટીમ વધુ એક પણ ગોલ ન કરી શકી અને મિડફીલ્ડમાં અત્યંત કુશળ સ્પેનના ખેલાડીઓએ છેક સુધી બૉલ વારંવાર પોતાના કબજામાં રાખ્યો હતો તથા સંપૂર્ણ પ્રભુત્વ સાથે 2-1થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફ્રાન્સની ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી.
હવે આજે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યે) ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ડૉર્ટમન્ડમાં બીજી સેમિ ફાઇનલ રમાશે અને એમાં જીતનારી ટીમ (રવિવારે ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યે શરૂ થનારી) ફાઇનલમાં સ્પેન સામે રમશે.