યુરોમાં આવતી કાલે રોનાલ્ડો-ઍમ્બપ્પે વચ્ચે ટક્કર, બન્નેની ટીમ જોરદાર જંગ માટે તૈયાર
હૅમ્બર્ગ (જર્મની): યુરો-2024ની ‘મૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ બની શકે એવો મુકાબલો શુક્રવાર, પાંચમી જુલાઈએ (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) થશે. એક તરફ હશે પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બીજી બાજુ હશે ફ્રાન્સનો સિતારો કીલિયાન ઍમ્બપ્પે.
હાલમાં સૉકરજગતમાં મુખ્યત્વે ત્રણ ખેલાડીઓ સૌથી લોકપ્રિય છે. એમાં લિયોનેલ મેસી ઉપરાંત રોનાલ્ડો અને ઍમ્બપ્પે સામેલ છે. મેસી અમેરિકામાં કૉપા અમેરિકા ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે, જ્યારે રોનાલ્ડો અને ઍમ્બપ્પે યુરોપિયન ચૅમ્પિયનશિપમાં સક્રિય છે અને શુક્રવારે બેમાંથી એક ખેલાડીની ટીમ સેમિ ફાઇનલમાં જશે.
શુક્રવારની પોર્ટુગલ-ફ્રાન્સ વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ ફૉક્સપાર્ક સ્ટેડિયમમાં રમાશે. એમાં જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં સ્પેન અથવા યજમાન જર્મની સામે રમશે.
આ પણ વાંચો: યુરો-2024માં ક્વૉર્ટર ફાઇનલના હરીફો નક્કી થઈ ગયા : જાણો તારીખ અને પ્રસારણના સમય…
યુરો-2024ની પહેલાંથી જ પોર્ટુગલ અને ફ્રાન્સની ટીમ ટ્રોફી માટે ફેવરિટ ગણાતી હતી અને હવે ક્વૉર્ટર ફાઇનલના નૉકઆઉટમાં એ જ બે ટીમ સામસામે આવી જતાં બેમાંથી એક ટીમે બહાર થઈ જવાનો સમય નજીક આવી ગયો છે.
પોર્ટુગલ-ફ્રાન્સ વચ્ચેનો મહા મુકાબલો 18 વર્ષે થઈ રહ્યો છે. 2006માં વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઝિનેડીન ઝિદાને પેનલ્ટી સ્પૉટમાંથી વિનિંગ ગોલ કર્યો હતો. રોનાલ્ડો ત્યારે આખી મૅચ રમ્યો હતો અને ફ્રાન્સનો લિલિઆન થુરમ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. થુરમનો પુત્ર માર્કસ શુક્રવારની મૅચમાં રમશે એવી સંભાવના છે.
રોનાલ્ડો પોર્ટુગલ વતી વિક્રમજનક 212મી મૅચ રમશે. તે આ યુરોની મુખ્ય મૅચમાં ગોલ નથી કરી શક્યો, પણ શુક્રવારે તેની પાસે ટીમને ઘણી અપેક્ષા હશે. રોનાલ્ડોના નામે વર્લ્ડ રેકૉર્ડ 130 ઇન્ટરનૅશનલ ગોલ છે. પચીસ વર્ષના ઍમ્બપ્પેના નામે 48 ઇન્ટરનૅશનલ ગોલ છે.
શુક્રવારે (આવતી કાલે) પ્રથમ સેમિ ફાઇનલમાં યજમાન જર્મનીનો સ્પેન સામે મુકાબલો થશે. સ્ટટગાર્ટ ખાતેની આ મૅચ ભારતીય સમય મુજબ રાત્રે 9.30 વાગ્યાથી રમાશે.
જર્મની અને સ્પેન ત્રણ-ત્રણ વખત યુરો સ્પર્ધા જીત્યા છે અને એ યુરોપનો વિક્રમ છે.