

ફોક્સ્પાર્કસ્ટેડિયમ: યુરો 2024માં શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું, ઊલ્ટાનું વહેલા આઉટ થઈ જવું પડ્યું હતું.

સેમિ ફાઈનલમાં ફ્રાન્સની સ્પેન સાથે ટક્કર થશે. શુક્રવારની પ્રથમ કવોર્ટરમાં સ્પેને યજમાન જર્મનીને 2-1થી હરાવીને સ્પર્ધાની બહાર કર્યું હતું. 51મી મિનિટમાં ઓલ્મોએ ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. 89મી મિનિટમાં વિટઝે જર્મનીને 1-1થી બરાબરીમાં લાવી દીધું હતું. જોકે ભારે રસાકસીમાં મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી જેમાં 119મી મિનિટમાં મેરિનોએ સ્પેનને વિનિંગ ગોલ કરી આપ્યો હતો.
| Also Read: ભારતની ‘ભાવિ ટીમ’ સામે શનિવારે ઝિમ્બાબ્વેનો પ્રથમ ટી-20 મુકાબલો, સાંજે 4.30થી લાઇવ
પોર્ટુગલના રોનાલ્ડોની એક્ઝિટ સાથે તેના કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે અને આ સ્પર્ધાની ચમક અડધી ઓછી થઈ ગઈ છે.
ક્વોર્ટર ફાઇનલની મુખ્ય મૅચમાં ફ્રાન્સ અને પોર્ટુગલ 0-0થી બરાબરીમાં રહ્યા હતા. એ તબક્કે પણ રોનાલ્ડોપ્રેમીઓને પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલના વિજયની આશા હતી, પરંતુ ફ્રાન્સે એમાં પોર્ટુગલને 5-3થી માત આપીને પોર્ટુગલને સ્પર્ધામાંથી આઉટ કરી નાખ્યું હતું અને સેમિમાં એન્ટ્રી કરી લીધી હતી.

આ મૅચ યુરો-2016ની ફાઇનલના પુનરાવર્તન જેવી તો હતી જ, એનાથી પણ વિશેષ બાબત એ હતી કે 2006ના ફિફા વર્લ્ડ કપનું જાણે રી-રન થયું હતું. એ વિશ્વ કપની સેમિ ફાઈનલના પેનલ્ટી શૂટઆઉટમાં ઝીનેડિન ઝિદાનના નેતૃત્વમાં ફ્રાન્સે પોર્ટુગલને પરાજિત કર્યું હતું.

આ વખતના યુરોમાં પોર્ટુગલ અને ફ્રાન્સ ટાઈટલ માટે ફેવરિટ ગણાતા હતા અને સેમિમાં બન્ને સામસામે આવી જતાં એમાં રોનાલ્ડોના પોર્ટુગલે નિરાશા જોવી પડી. રોનાલ્ડો માટે આ છેલ્લો યુરો કપ નિસ્તેજ બન્યો. તેની ટીમ પહેલી બન્ને મૅચ તો જીતી હતી, પણ જ્યોર્જીયા તથા સ્લોવેનિયા સામે પોર્ટુગલની ટીમ ગોલ નહોતી કરી શકી.

હવે આજે ત્રીજી કવોર્ટર ફાઈનલ (ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યાથી) ઇંગ્લેન્ડ અને સ્વિટઝરલેન્ડ વચ્ચે રમાશે. આજે જ મધરાત બાદ (રાત્રે 12.30 વાગ્યાથી) છેલ્લો કવોર્ટર મુકાબલો નેધરલેન્ડ્સ-ટર્કી વચ્ચે થશે.