યુરો-2024માં ક્વૉર્ટર ફાઇનલના હરીફો નક્કી થઈ ગયા : જાણો તારીખ અને પ્રસારણના સમય…
લિપ્ઝિગ (જર્મની): જર્મનીમાં ચાલી રહેલી યુરોપ ખંડની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુઇફા યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં મંગળવારે ટર્કીએ ઑસ્ટ્રિયાની મજબૂત ટીમને 2-1થી અને નેધરલૅન્ડ્સે રોમાનિયાને 3-0થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ટોચની આઠ ટીમોની ક્વૉર્ટર ફાઇનલની એક્સાઇટિંગ લાઇન-અપ નક્કી થઈ ગઈ છે.
પહેલી ક્વૉર્ટર ફાઇનલ શુક્રવાર, પાંચમી જુલાઈએ (ભારતીય સમય મુજબ રાત્રે 9.30 વાગ્યાથી) સ્ટટગાર્ટમાં રમાશે. આ મૅચમાં યજમાન જર્મનીનો મુકાબલો સ્પેન સામે થશે.
શુક્રવાર, પાંચમી જુલાઈની જ બીજી ક્વૉર્ટર ફાઇનલ મધરાત બાદ 12.30 વાગ્યાથી રમાશે જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમની ટક્કર ફ્રાન્સ સાથે થશે. ફૉક્સપાર્ક સ્ટેડિયમની આ મૅચમાં રોનાલ્ડોની ટીમનો કીલિયાન ઍમ્બપ્પેના ફ્રાન્સ સાથે જોરદાર જંગ જામવાની પાક્કી સંભાવના છે.
સોમવારે ફ્રાન્સે પ્રી-કવોર્ટરમાં બેલ્જીયમની બળુકી ટીમને 1-0થી હરાવી હતી. ફ્રાન્સનો એમ્બપ્પે નાકની ઈજાને લીધે થોડા દિવસથી માસ્ક પહેરીને રમે છે.
શનિવાર, છઠ્ઠી જુલાઈએ (ભારતીય સમય મુજબ રાત્રે 9.30 વાગ્યાથી) ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ 2021ની યુરોના રનર-અપ ઇંગ્લૅન્ડ અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે રમાશે. આ મૅચ ડસેલડૉર્ફમાં રમાશે.
અહીં ખાસ જણાવવાનું કે શનિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટલીનો પ્રી-કવોર્ટરમાં સ્વિટઝરલેન્ડ સામે 0-2થી પરાજય થયો હતો.
ચોથી અને છેલ્લી ક્વૉર્ટર શનિવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી નેધરલૅન્ડ્સ અને ટર્કી વચ્ચે રમાશે. એ મૅચ ઑલિમ્પિયા સ્ટેડિયમમાં રમાશે.
સેમિ ફાઇનલ મંગળવાર, 9 જુલાઈએ મધરાત બાદ 12.30 વાગ્યાથી રમાવાની છે.
ફાઇનલ મુકાબલો રવિવાર, 14મી જુલાઈએ મધરાત બાદ 12.30 વાગ્યાથી થશે.
Also Read –