EURO 2024 Highlights: યુરોમાં ઇંગ્લૅન્ડ-સ્પેન વચ્ચે રવિવારે ફાઈનલ જંગ
સેમિમાં ઇંગ્લૅન્ડના 91મી મિનિટના ગોલને લીધે નેધરલૅન્ડ્સ 1-2થી હાર્યું

ડૉર્ટમન્ડ: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024માં રવિવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે યુરોના ઇતિહાસમાં સ્પેન એવી પહેલી ટીમ છે જે અપરાજિત રહીને તેમ જ સતત છ મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.
બુધવારની બીજી રોમાંચક સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડે નેધરલૅન્ડ્સને સ્ટોપેજ ટાઈમના ગોલની મદદથી 2-1થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઝાવી સિમન્સે સાતમી મિનિટમાં ગોલ કરીને નેધરલૅન્ડ્સને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે કેપ્ટન હૅરી કેને (Harry Kane) પેનલ્ટી કિકમાં ગોલ કરીને ઇંગ્લૅન્ડને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું. પેનલ્ટી એરિયામાં નેધરલૅન્ડ્સના ડેન્ઝેલ ડમ્ફ્રાઈઝ સાથેની ટક્કરમાં હૅરી કેન નીચે પડ્યો હતો. ડમફ્રાઈઝે જાણી જોઈને હૅરી કેનને ટાર્ગેટ બનાવ્યો હતો એવું માનીને રેફરીએ ડમફ્રાઈઝને યલો કાર્ડ બતાવ્યું હતું અને ઇંગ્લૅન્ડને પેનલ્ટી કિક આપી હતી જેમાં 18મી મિનિટમાં હૅરીએ ગોલ કરી દીધો હતો.
ફર્સ્ટ હાફને અંતે બંને ટીમ 1-1ની બરાબરીમાં હતી. એ તબક્કે ઇંગ્લૅન્ડનો આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
આ સેમિ ફાઈનલ પહેલાં હેડ-ટુ-હેડ મુકાબલામાં ઇંગ્લૅન્ડનો હાથ ઉપર હતો. 32 મૅચમાંથી 13 ઇંગ્લૅન્ડે અને 9 નેધરલેન્ડ્સે જીતી હતી. તેમની વચ્ચેના 10 મુકાબલા ડ્રો થયા હતા. ભૂતકાળનો આ રેકૉર્ડ જોતાં ઇંગ્લૅન્ડના વિજયના ચાન્સ વધુ હતા અને છેવટે એવું જ થયું.
90 મિનિટના મુખ્ય સમય બાદ ઇન્જરી ટાઈમ (સ્ટોપેજ ટાઈમ)માં સુપર-સબ તરીકે મેદાન પર મોકલવામાં આવેલાઑલી વૉટકિન્સે (Ollie Watkins) 91મી મિનિટમાં ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. ઇંગ્લૅન્ડ માટે તેનો આ ગોલ મેચ-વિનિંગ સાબિત થયો હતો. આખી મૅચમાં ઇંગ્લૅન્ડના ગોલકીપર પિકફર્ડનો પર્ફોર્મન્સ શાનદાર હતો.