ઇંગ્લૅન્ડના નવા પેસ બોલરનો કરીઅરના પહેલા જ દિવસે સાત વિકેટનો તરખાટ
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડ વતી નવ વન-ડે અને ત્રણ ટી-20 રમી ચૂકેલા પેસ બોલર ગસ ઍટ્કિન્સને વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ-સિરીઝના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે 45 રનમાં સાત વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ બૅટિંગ મળ્યા બાદ 41.4 ઓવરમાં ફક્ત 121 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટ ફક્ત છ રન બનાવીને આઉટ થયો હતો. 26 વર્ષીય ઍટકિન્સનની એ પહેલી ટેસ્ટ-વિકેટ હતી. બીજા ઓપનર મિકાઇલ લુઇસના 27 રન ટીમમાં હાઇએસ્ટ હતા. બીજા બે બૅટર (ઍલિક અથાન્ઝે અને કેવમ હૉજ) 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા, પરંતુ આખી ટીમમાં એકેય પ્લેયર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.
છેલ્લી ટેસ્ટ રમી રહેલા જેમ્સ ઍન્ડરસને તેમ જ ક્રિસ વૉક્સ તથા કૅપ્ટન બેન સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી.
પહેલી 10 ઓવરમાં ઍન્ડરસન તથા વૉક્સને એકેય વિકેટ નહોતી મળી, પરંતુ 11મી ઓવરથી ઍટકિન્સન ત્રાટક્યો હતો અને એક પછી એક કૅરિબિયનને તેણે પૅવિલિયન ભેગા કર્યા હતા.