12 વર્ષ પછી ઇંગ્લૅન્ડની ઍન્ડરસન-બ્રૉડ વિનાની પ્રથમ ટેસ્ટ
ટ્રેન્ટ બ્રિજના મેદાન પરનું પૅવિલિયન એન્ડ હવેથી ‘ધ સ્ટુઅર્ટ બ્રૉડ એન્ડ’
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડનો વર્લ્ડ નંબર-વન પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (James Anderson) ગયા અઠવાડિયે રિટાયર થયો અને સેકન્ડ-બેસ્ટ પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે (Stuart Broad) ગયા વર્ષે રિટાયરમેન્ટ લીધું હતું. હવે આ બન્ને વિનાનો ઇંગ્લૅન્ડનો નવો ટેસ્ટ-યુગ શરૂ થયો છે. નવાઈની વાત એ છે કે 12 વર્ષ પછી ઇંગ્લૅન્ડ એવી ટેસ્ટ રમી રહ્યું છે જેમાં એની ટીમમાં ઍન્ડરસન કે બ્રૉડ બેમાંથી કોઈ નથી. વેસ્ટ ઇન્ડિઝ સામેની આ મૅચ ગુરુવારે નૉટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજમાં શરૂ થઈ હતી.
આ પહેલાં આ બન્ને લેજન્ડરી ફાસ્ટ બોલર વિનાની ટેસ્ટ 2006માં નૉટિંગહૅમમાં જ રમાઈ હતી. જોકે ત્યારે બન્ને બોલર ઈજા સહિતના અમુક કારણસર નહોતા રમ્યા, જ્યારે હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે.
ઍન્ડરસન અને બ્રૉડ, બન્ને બોલર લાંબા સમય સુધી સાથે રમ્યા હતા. જોકે 12 વર્ષ પછી (ગુરુવારે) પહેલી વાર ઇંગ્લૅન્ડની ટીમ ઍન્ડરસન કે બ્રૉડ વિના મેદાન પર ઊતરી હતી.
આ પણ વાંચો : બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
વિશ્ર્વભરના ટેસ્ટ બોલર્સમાં ઍન્ડરસન 704 વિકેટ સાથે ત્રીજા નંબરે છે. ઑફ-સ્પિનર મુરલીધરન (133 ટેસ્ટમાં 800 વિકેટ) પ્રથમ ક્રમે અને લેગ-સ્પિનર શેન વૉર્ન (145 ટેસ્ટમાં 708 વિકેટ) બીજા સ્થાને છે. એ રીતે પેસ બોલર્સમાં ઍન્ડરસન મોખરે કહેવાય. સ્પિનર અનિલ કુંબલે 619 વિકેટ સાથે ચોથા સ્થાને છે અને બ્રૉડ 604 વિકેટ સાથે પાંચમા નંબરે (પેસ બોલર્સમાં બીજા સ્થાને) છે.
ઍન્ડરસને 21 વર્ષની કરીઅરમાં 40,037 બૉલ ફેંક્યા હતા અને 18,627 રનના ખર્ચે 704 વિકેટ લીધી હતી. સ્ટુઅર્ટ બ્રૉડે 16 વર્ષની કારકિર્દીમાં 167 ટેસ્ટમાં 33,698 બૉલ ફેંકીને 16,719 રનના ખર્ચે 604 વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ટેસ્ટ શરૂ થઈ એ પહેલાં ટ્રેન્ટ બ્રિજના મેદાન પરના પૅવિલિયન એન્ડને ‘ધ સ્ટુઅર્ટ બ્રૉડ એન્ડ’ નામ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે સ્ટુઅર્ટના ક્રિકેટર-પિતા અને મૅચ રેફરી ક્રિસ બ્રૉડ તેમ જ સ્ટુઅર્ટના મમ્મી સહિતના પરિવારજનો ઉપસ્થિત હતા.
ઍન્ડરસન હાલમાં જ રિટાયર થયો. જોકે 2017માં ઑલ્ડ ટ્રેફર્ડના મેદાન પરના પિચના એક છેડાને ‘જેમ્સ ઍન્ડરસન એન્ડ’ નામ આપવામાં આવ્યું હતું.