સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના માત્ર 26 બૉલમાં 50 રન, ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો પોતાનો જ 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા જ અડધા કલાકમાં નવો વિશ્ર્વવિક્રમ નોંધાવી દીધો હતો. બ્રિટિશ ટીમે માત્ર 4.2 ઓવરમાં (26 બૉલમાં) 50 રન પૂરા કર્યા હતા. કોઈ ટીમે ટેસ્ટના એક દાવમાં સૌથી ઝડપે 50 રન પૂરા કર્યા હોય એનો આ નવો જ કિસ્સો છે. બ્રિટિશ ટીમે પોતાનો જ 30 વર્ષ જૂનો વિશ્ર્વ વિક્રમ તોડી નાખ્યો હતો.

ઇંગ્લૅન્ડના ખેલાડીઓ થોડા વર્ષોથી ‘બાઝબૉલ’ અપ્રોચ (આક્રમક અભિગમ) માટે જાણીતા છે. તેમનું એ આક્રમક વલણ આ ફાસ્ટેસ્ટ ફિફ્ટીમાં જોવા મળ્યું છે.

1994માં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકા સામે 4.3 ઓવરમાં (27 બૉલમાં) 50 રન પૂરા કર્યા હતા. જોકે એ વિક્રમ હવે ત્રણ દાયકા બાદ તૂટી ગયો છે.

ઇંગ્લૅન્ડે અહીં 26 બૉલમાં જે 50 રન બનાવ્યા એમાં ઓપનર બેન ડકેટ (Ben Duckett)ના 33 રન અને વનડાઉન બૅટર ઑલી પોપ (Ollie Pope)ના 16 રન હતા. ડકેટે 33 રન 14 બૉલમાં સાત ફોરની મદદથી બનાવ્યા હતા. બીજો ઓપનર ઝૅક ક્રૉવ્લી તો ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો, પણ ટીમની હાફ સેન્ચુરી વખતે ઑલી પોપના 16 રન હતા જે તેણે નવ બૉલમાં ત્રણ ફોરની મદદથી બનાવ્યા હતા. ટૂંકમાં, ઇંગ્લૅન્ડના 50માંથી 40 રન 10 ફોરની મદદથી બન્યા હતા. ડકેટ કુલ 59 બૉલમાં 14 ફોરની મદદથી 71 રન બનાવીને અલ્ઝારી જોસેફના બૉલમાં સેક્ધડ સ્લિપમાં જેસન હોલ્ડરના બૉલમાં કૅચઆઉટ થયો હતો.

સૌથી ઝડપી ટીમ-ફિફ્ટીમાં ભારતનું નામ પાંચમા નંબરે છે. ભારતે 2008માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે 5.3 ઓવરમાં (33 બૉલમાં) 50 રન પૂરા કર્યા હતા.

ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીમાં પહેલા ત્રણેય સ્થાને ઇંગ્લૅન્ડનું નામ છે.

ટેસ્ટ-ક્રિકેટના ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટી

ઓવર વિગત સ્થળ વર્ષ
4.2 ઇંગ્લૅન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ નૉટિંગહૅમ 2024
4.3 ઇંગ્લૅન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા ઓવલ 1994
4.6 ઇંગ્લૅન્ડ વિરુદ્ધ શ્રીલંકા મૅન્ચેસ્ટર 2002
5.2 શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન કરાચી 2004
5.3 ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડ ચેન્નઈ 2008
5.3 ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ પોર્ટ ઑફ સ્પેન 2023

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button