`લૉર્ડ્સની લડાઇ’ ભારતીય પુરુષો ન જીતી શક્યા, પણ મહિલાઓને જીતવાનો સુવર્ણ મોકો
ઇંગ્લૅન્ડ સામે બપોરે 3.30 વાગ્યાથી બીજી વન-ડેઃ શુક્રવારની બર્થ-ડે ગર્લ શનિવારે સ્મૃતિ મૅચવિનર બનશે?

લંડનઃ ક્રિકેટના મક્કા તરીકે જગમશહૂર લૉર્ડ્સમાં સોમવારે ભારતની મેન્સ ટીમના ખેલાડીઓ (ખાસ કરીને રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ) યજમાન ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી ટેસ્ટ ન જીતી શક્યા અને સિરીઝમાં 1-2થી પાછળ રહી ગયા, પરંતુ ભારતની મહિલા ટીમ વન-ડે શ્રેણીની પ્રથમ મૅચ જીતીને 1-0ની સરસાઈ સાથે લૉર્ડ્સ (Lord’s)માં આવી છે અને શનિવાર, 19મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે છે. શ્રેણી ત્રણ જ મૅચની છે આ બીજી મૅચ પણ જીતીને હરમનપ્રીત કૌરની ટીમ 2-0થી સિરીઝ (Series)નો વિજય મેળવી શકશે.
ભારતીય મહિલા ટીમે સાઉધમ્પ્ટનની પ્રથમ વન-ડે ચાર વિકેટે જીતી લીધી હતી. આ વર્ષે વન-ડે (One -Day)નો વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને એ પહેલાં ભારતીય મહિલા ટીમ એક પછી એક વન-ડે જીતીને વિશ્વ કપ માટે બહુ સારી પૂર્વતૈયારી કરી રહી છે. ભારતીય ટીમ 2022થી માંડીને અત્યાર સુધીમાં ઇંગ્લૅન્ડની ધરતી પર સતત ચાર વન-ડે જીતી છે અને શનિવારે પાંચમી જીતવાનો મોકો છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અમોલ મુઝુમદાર ભારતની મહિલા ટીમનો કોચ છે અને તેના કોચિંગમાં હરમનપ્રીત ઍન્ડ કંપનીએ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ 3-2થી જીતી લીધી અને હવે વન-ડે શ્રેણીમાં પણ વિજય મેળવવાની તૈયારી થઈ રહી છે.
મુખ્ય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર તથા પૂજા વસ્ત્રાકરની ગેરહાજરીમાં પણ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડની મુશ્કેલ પિચો પર જીતી રહી છે એ મોટી સિદ્ધિ કહેવાય. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ શુક્રવારે 29મો જન્મદિન ઉજવ્યો હતો. તે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં સર્વોત્તમ રમી હતી. હવે શનિવારે તેણે મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને આ બર્થ-ડેને યાદગાર બનાવવાનો જરૂર નિર્ધાર કર્યો હશે.