મેઘરાજાએ હેરાન કર્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા…
ઓવલ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદની આવ-જા વચ્ચે ભારતીય બૅટ્સમેનોનું પણ આયારામ-ગયારામઃ ઇંગ્લૅન્ડનો હાથ ઉપર

લંડનઃ અહીં ધ ઓવલના ગ્રાઉન્ડ પર ગઈ કાલે પાંચમી અને છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ) દરમ્યાન પિચ અને આઉટફીલ્ડ વરસાદ (Rain)ને કારણે વારંવાર ખરાબ થઈ ગયા હતા અને એ હાલતમાં ભારતીયોએ સમયાંતરે (વરસાદના વારંવારના બ્રેક બાદ) વિકેટ ગુમાવી અને રમતને અંતે સ્થિતિ એ હતી કે એકંદરે બ્રિટિશરોનો હાથ ઉપર રહ્યો હતો.
પ્રારંભિક દિવસની રમતના અંતભાગમાં કુલ 53મી ઓવરને અંતે ભારતનો પ્રથમ દાવનો સ્કોર 6/169 હતો. કરુણ નાયર કદાચ કરીઅરની સૌથી આકરી કસોટી આપી રહ્યો છે અને તે 66 બૉલમાં બનાવેલા 32 રને દાવમાં હતો અને વૉશિંગ્ટન સુંદર ચાર રને રમી રહ્યો હતો.
ટીમ ઇન્ડિયા (Team India)ની બૅટિંગ લાઇન-અપ એકાદ-બે બૅટ્સમેનને છોડીને ભરોસાપાત્ર છે, પરંતુ એક પણ હાફ સેન્ચુરી નહોતી જોવા મળી. સાઇ સુદર્શન 108 બૉલ રમવા છતાં 38 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેને આ પહેલાં સિરીઝમાં જે બે ટેસ્ટમાં રમવા મળ્યું એમાં તેના સ્કોર્સ આ મુજબ હતાઃ 0, 30, 61, 0.
મેઘરાજા જાણે ગિલની વિકેટ પાડવા માટે જ અટક્યા હતા કે શું? ભારતે મેઘરાજાના બે વિઘ્ન વચ્ચે સિરીઝના સુપરસ્ટાર શુભમન ગિલ (21 રન, 35 બૉલ, ચાર ફોર)ની વિકેટ પડી હતી. લંચ બાદ રમત થોડી મોડી શરૂ થયા બાદ ગિલ રનઆઉટ થતાં ભારતીય ટીમને 83 રનના કુલ સ્કોર પર ત્રીજી વિકેટના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. ગિલ પોતાની જ ઉતાવળને લીધે વિકેટ ગુમાવી બેઠો હતો. ડ્રેસિંગ-રૂમની બહાર બેઠેલો હેડ-કોચ ગૌતમ ગંભીર ખુદ ગંભીર મુદ્રામાં આવી ગયો હતો. ગિલ પરનો ગુસ્સો તેના ચહેરા પર દેખાતો હતો.
દિવસની શરૂઆતમાં પિચ પર થોડું લીલું ઘાસ હતું. જોકે બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (બે રન) અને કેએલ રાહુલ (14 રન) બ્રિટિશ મિડિયમ પેસ બોલર્સની બોલિંગમાં સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા. બેન સ્ટૉક્સની ગેરહાજરીમાં ફરી ટીમમાં સમાવવામાં આવેલા ગસ ઍટક્નિસનના બૉલમાં યશસ્વી એલબીડબ્લ્યૂ થયો હતો. તેની વિકેટ ચોથી જ ઓવરમાં પડી હતી.
16મી ઓવર ક્રિસ વૉક્સે કરી હતી જેમાં રાહુલ ક્લીન બોલ્ડ થયો હતો. વૉક્સના ઑફ સ્ટમ્પની બહારનો બૉલ થોડો બાઉન્સ થયો હતો જેમાં રાહુલ શૉટ મારવા ગયો હતો અને તેના બૅટની ઇન્સાઇડ એજ વાગ્યા બાદ બૉલ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો.
લૉર્ડ્સમાં અને મૅન્ચેસ્ટરમાં બ્રિટિશરો સામે જબરદસ્ત લડત બતાવનાર રવીન્દ્ર જાડેજા ગુરુવારે ઓવલમાં નવ રન કર્યા બાદ વિકેટકીપરના હાથમાં કૅચઆઉટ થયો હતો, જ્યારે રિષભ પંતના સ્થાને રમી રહેલો વિકેટકીપર ધ્રુવ જુરેલ 19 રન પર વિકેટ ગુમાવી હતી. તે ઍટક્નિસનના બૉલ પર બીજી સ્લિપમાં હૅરી બ્રૂકના હાથમાં કૅચ આપી બેઠો હતો. પહેલી છ માંથી એક વિકેટ (શુભમન ગિલના) રનઆઉટની હતી, જ્યારે બાકીની પાંચમાંથી બે-બે વિકેટ ઍટક્નિસન અને જૉશ ટન્ગે અને એક વિકેટ ક્રિસ વૉક્સને મળી હતી.
ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને, બુમરાહના સ્થાને આકાશ દીપને, શાર્દુલની જગ્યાએ કરુણ નાયરને અને અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને સામેલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ ટીમમાં કૅપ્ટન બેન સ્ટૉક્સ ખભાની ઈજાને લીધે નથી રમ્યો. બૅટ્સમૅન ઑલી પૉપ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. જોફ્રા આર્ચર પણ નથી રમી રહ્યો અને બ્રિટિશ ટીમે પણ કુલ ચાર ફેરફાર કર્યા છે.