પંત અને આકાશ ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં? કૅપ્ટન ગિલે કંબોજ વિશે પણ સ્પષ્ટતા કરી દીધી કે…

પંત અને આકાશ ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં? કૅપ્ટન ગિલે કંબોજ વિશે પણ સ્પષ્ટતા કરી દીધી કે…

મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં બુધવારે (બપોરે 3.30 વાગ્યે) શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રિષભ પંત વિકેટકીપર તરીકે જ રમશે એવી ચોખવટ કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) કરી દીધી છે. તેણે એવું પણ જણાવ્યું છે કે પેસ બોલર આકાશ દીપ (Akash Deep) ઈજાને કારણે આ મૅચમાં નહીં રમે.

અગાઉ એવી અટકળ ફેલાઈ હતી કે ડાબા હાથની આંગળીની ઈજાને લીધે પંત આ મૅચમાં નહીં રમે અને જો તેને રમાડવામાં આવશે તો માત્ર બૅટ્સમૅન તરીકે જ ટીમમાં સમાવવામાં આવશે અને ધ્રુવ જુરેલ વિકેટકીપિંની જવાબદારી સંભાળશે. જોકે ગિલે હવે પંત બાબતમાં સ્પષ્ટતા કરી દીધી છે.

ઑલરાઉન્ડર નીતીશ રેડ્ડી અને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાને કારણે સિરીઝની બહાર થઈ ગયા છે.
લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં પંત વિકેટકીપર તરીકે માત્ર 35 ઓવર સુધી રમ્યો હતો. તેની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ સબસ્ટિટ્યૂટ તરીકે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. જોકે જુરેલની કીપિંગ દરમ્યાન બ્રિટિશ ટીમને બાય તરીકે પચીસ રન મળ્યા હતા અને ઇંગ્લૅન્ડે બાવીસ રનના માર્જિનથી એ ટેસ્ટ જીતી લીધી હતી.

નવા પેસ બોલર અંશુલ કંબોજને ભારતની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. આકાશ દીપની ગેરહાજરીમાં તેને રમાડવામાં આવશે કે નહીં એ બાબતમાં કૅપ્ટન ગિલે પત્રકારોને કહ્યું હતું કે અમે કંબોજનો પર્ફોર્મન્સ જોયો છે. ટીમને જિતાડવાની તેનામાં ક્ષમતા છે. તે ભારત વતી ડેબ્યૂ કરવાની તૈયારીમાં જ છે એમ કહીએ તો પણ ખોટું નથી. જોકે ઇલેવનમાં તેને સમાવીશું કે પ્રસિદ્ધ ક્રિષ્નાને એ બુધવારે સવારે બધાને ખબર પડી જશે.’ બૅટ્સમૅન કરુણ નાયર (0, 20, 31, 26, 40, 14) આ સિરીઝમાં સારું નથી રમ્યો. તેના વિશે પૂછાતાં ગિલે કહ્યું હતું કે નાયર સારો બૅટ્સમૅન છે. પ્રથમ ટેસ્ટમાં તેને તેના નંબર પર બૅટિંગ નહોતી કરવા મળી. તેની બૅટિંગ બાબતમાં કોઈ જ સમસ્યા નથી. કોઈ પણ બૅટ્સમૅન 50 રન પૂરા કરે એટલે અસલ ફૉર્મમાં આવી જતો હોય છે. અમને ખાતરી છે કે તે પણ તેના અસલ ફૉર્મમાં આવી જશે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button